ઝારખંડ: નક્સલી અથડામણમાં 6 જવાન શહીદ, 4 ઈજાગ્રસ્ત

ઝારખંડ- ઝારખંડના બૂઢા પહાડ વિસ્તારમાં નક્સલીઓ સાથેની અથડામણાં જગુઆર ફોર્સના 6 જવાન શહીદ થયા છે અને 4 જવાન ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર ઝારખંડ જગુઆર ફોર્સના 112 બટાલિયનના જવાનો ઓપરેશન પર રવાના થયા હતા. મોડી સાંજે તેમના કાફલા પર નક્સલીઓએ હુમલો કર્યો હતો. અને જવાનોના કાફલા પર ફાયરિંગ પણ કર્યું હતું. જેમાં 6 જવાનો શહીદ થયા હતા. અને 4 ઈજાગ્રસ્ત થયા છે.જે સમયે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તે સમયે જ નક્સલીઓએ ત્યાં લેન્ડમાઈન પાથરેલી હતી. જેમાં વિસ્ફોટ કર્યા બાદ તરત જ નક્સલીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરુ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત કેટલાક દિવસો દરમિયાન સુરક્ષા દળો દ્વારા નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેનો બદલો લેવા નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હોવાનું માનવામાં આવે છે.

મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં હજી પણ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અને અહીં સુરક્ષા દળોની વધુ ટુકડી રવાના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બૂઢા પહાડ વિસ્તાર ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશ એમ ત્રણ રાજ્યો સુધી ફેલાયેલો છે. જેનો લાભ ઉઠાવીને નક્સલીઓ ભાગવામાં સફળ રહે છે. જોકે આ વખતે સંયુક્ત કમાન દ્વારા નક્સલીઓ વિરુદ્ધ જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]