અમેરિકા, બ્રિટનમાં નવા કોરોનાના હજારો કેસ નોંધાયા

વોશિંગ્ટન/લંડનઃ યૂએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) સંસ્થાએ બહાર પાડેલા નવા આંકડા મુજબ, અમેરિકામાં કોરોનાવાઈરસ રોગચાળાના નવા પ્રકારના 6,000થી વધારે કેસ નોંધાયા છે. B.1.1.7 તરીકે ઓળખાતા આ પ્રકારના કોરોનાનો ચેપ 6,390 જણને લાગ્યો છે. આ નવો કોરોના સૌથી પહેલા બ્રિટનમાં નોંધાયો હતો. અમેરિકામાં આ ઉપરાંત B.1.351 અને P.1 ટાઈપના કોરોનાના ચેપીઓ પણ નોંધાયા છે. B.1.351 ટાઈપનો કોરોના સૌથી પહેલાં સાઉથ આફ્રિકામાં જ્યારે P.1 ટાઈપનો કોરોના સૌથી પહેલાં બ્રાઝિલમાં નોંધાયો હતો. આ ઉપરાંત B.1.427 અને B.1.429 ટાઈપના કોરોનાના કેસ પણ નોંધાયા છે. અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન અને ઉપપ્રમુખ કમલા હેરિસે ગઈ કાલે CDCની મુલાકાત લીધી હતી અને ત્યાંની કામગીરીનો તાગ મેળવ્યો હતો.

દરમિયાન, બ્રિટનમાં, કોરોનાવાઈરસનો ચેપ વધુ 5,312 જણને લાગ્યો છે. આ સાથે આ દેશમાં કોરોનાદર્દીઓની કુલ સંખ્યા 42,96,583 પર પહોંચી છે. ગઈ કાલે રવિવારે બ્રિટનમાં કોરોના-સંબંધિત વધુ 33 જણના મૃત્યુ નોંધાયા હતા આ સાથે કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓની કુલ સંખ્યા 1,26,155 પર પહોંચી છે.