વોશિંગ્ટનઃ અમેરિકામાં મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી છે. મેમાં ફુગાવાનો દર ચાર દાયકાના ઉચ્ચ સ્તરે 8.6 ટકાએ પહોંચ્યો છે. ઘરેલુ ગેસ, ખાણીપીણી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે ફુગાવાના દરમાં વધારો થયો છે. માસિક ધોરણે ઉપભોક્તા ચીજવસ્તુઓની કિંમતો એપ્રિલની તુલનાએ મેમાં એક ટકો વધ્યો છે. એ વધારો માર્ચની તુલનાએ એપ્રિલમાં 0.3 ટકાના વધારાની સરખામણીએ ઘણો વધુ છે. જેથી મોંઘવારી દર 1982 પછી સૌપ્રથમ વાર 8.5 ટકાની ઉપર પહોંચ્યો હતો. જેથી વોલ સ્ટ્રીટના અંદાજ અનુસાર આગામી ત્રણથી ચાર મીટિંગમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 0.5 ટકાનો વધારો કરશે.
અમેરિકામાં ફુગાવાનો દર વધવાથી ડાઉ જોન્સ શુક્રવારે 2.7 ટકા, એસ એન્ડ પી 500 2.9 ટકા અને નેસ્ડેક 3.5 ટકા તૂટ્યા હતા. જોકે આવનારા કેટલાક મહિનાઓમાં ફુગાવાના દરના વધારા પર લગામ લાગશે, એવી શક્યતા કેટલાક વિશ્લેષકોએ દર્શાવી હતી, તેમ છતાં વર્ષના અંત સુધીમાં એ સાત ટકાની નીચે આવવાની શક્યતા ઓછી છે.
અમેરિકાના બજારો પાછળ ભારત સહિત એશિયાનાં બજારમાં કડાકો બોલી ગયો હતો. કેમ કે ક્રૂડની કિંમતોમાં વધારાને પગલે ભારતીય રૂપિયો પણ ડોલર સામે 11 પૈસા ઘટીને ડોલર સામે લાઇફટાઇમ નીચો 77.83એ પહોંચ્યો હતો. બીજી બાજુ યુએસ બોન્ડ યિલ્ડ્સમાં વધારો થવાને પગલે ભારતીય શેરબજારોમાં FIIએ ભારે વેચવાલી કાઢી હતી. રૂપિયો પણ ડોલર સામે એક તબક્કે 77.87ની સપાટીએ પહોંચ્યો હતો.
મોંધવારીના દરમાં થતા વધારાને અને કોરોના કેસમાં સતત થઈ રહેલા વધારાને લીધે સ્થાનિક શેરબજારો 1.84 ટકા તૂટ્યા હતા. વિદેશી રોકાણકારોએ શુક્રવારે બજારમાં રૂ.3973 કરોડની વેચવાલી કરી હતી.