કશ્મીરના માનવાધિકાર અહેવાલ અંગે ભારતમાં આલોચનાથી દુ:ખ થયું: UNHCR

જિનેવા- સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે (UNHCR) કશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘન અંગેના તેના અહેવાલની ભારત દ્વારા કરવામાં આવલી નિંદા અંગે નારાજગી વ્યક્ત કરી છે. ભારતમાં UNHCRના અહેવાલ પર પર્શ્નો ઉઠ્યા બાદ UNHCR તરફથી આ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે.UNHCRએ જણાવ્યું છે કે, આ અહેવાલ ‘રિમોટ મોનિટરિંગ’ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કારણકે ભારત અને પાકિસ્તાન સરકારે અમને ક્ષેત્રમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી નહતી. આયોગના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતીય એજન્સીઓ દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ વગર અહેવાલને રદ્દ કરવાની અને UNHCR દ્વારા ખોટી માનસિકતા દ્વારા અહેવાલ તૈયાર કરવાનો જે દાવો કરવામાં આવ્યો છે, તે ઘણો જ નિરાશાજનક છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે ભારતીય મીડિયાના એ અહેવાલને રદ્દ કર્યો છે જેમાં UNHCRના અહેવાલ તૈયાર કરવા પાછળ કેનેડામાં રહેતા પાકિસ્તાની મૂળના ઈમામ ઝફર બંગશનું નામ સામેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આયોગના પ્રવક્તાએ સ્પષ્ટ કહ્યું કે, હાઈ કમિશ્નરે ક્યારેય પણ ઝફર બંગશ સાથે વાતચીત કરી નથી, અને તેની પાસેથી કોઈ માહિતી પણ લેવામાં આવી નથી.

આપને જણાવી દઈએ કે, અહેવાલ સામે આવ્યા બાદ કેનેડાના ટોરોન્ટોમાં સ્થિત ઝફર બંગાશ જે ઈસ્લામિક પત્રકાર છે અને મસ્જિદમાં ઈમામ પણ છે તેણે દાવો કર્યો હતો કે, સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકારના હાઈ કમિશનર ઝાયદ બિન રાદ અલ-હુસૈન અહેવાલ તૈયાર કરતી વખતે તેમના સંપર્કમાં હતા.

ઉલ્લેખનીય છે કે, આ અહેવાલમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાણીના ભારતીય સુરક્ષો દળો દ્વારા માર્યા ગયાની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, બુરહાનના એન્કાઉન્ટરનો કશ્મીર ઘાટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં UNHCRના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે, કશ્મીરમાં નાગરિકોના અપહરણ, હત્યા અને યૌન હિંસા જેવા માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓ જારી છે. ભારતે UNHCRના અહેલાલને સદંતર પાયા વિહોણો ગણાવ્યો છે.