મોસ્કોઃ રશિયાના સમર્થનવાળા બળવાખોરો યૂક્રેનમાં અને તેની આસપાસના વિસ્તારોમાં હિંસાચાર આચરી રહ્યા છે તેવામાં અને રશિયા આક્રમણ કરવાની તૈયારીમાં છે એવી સતત આવી રહેલી ચેતવણીઓ વચ્ચે યૂક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવાની અને કટોકટીનો ઉકેલ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
મ્યુનિક સુરક્ષા પરિષદની બેઠકમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે, ‘રશિયન ફેડરેશનના પ્રમુખ (પુતિન) શું ઈચ્છે છે એની મને જાણ નથી, તેથી હું જ એમની સાથે મીટિંગનો પ્રસ્તાવ રજૂ કરું છું. એ મંત્રણાનું સ્થળ રશિયા જ નક્કી કરી શકે છે. શાંતિપૂર્ણ સમાધાન થાય એ માટે યૂક્રેન માત્ર રાજદ્વારી માર્ગે જ ચાલતું રહેશે.’ ઝેલેન્સ્કીની આ ઓફરનો રશિયન સરકાર કે પુતિન તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ આવ્યો નથી. ઝેલેન્સ્કી બેઠક દરમિયાન અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસને મળ્યા હતા.
