યૂકે PM જોન્સને વિશ્વાસનો મત જીતી લીધો

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને સંસદમાં વિશ્વાસનો મત જીતી લીધો છે. અવિશ્વાસના પ્રસ્તાવ ઉપર થયેલા મતદાનમાં એમણે 59 ટકા મત મેળવીને જીત હાંસલ કરી છે. કુલ 359 સંસદસભ્યોએ મતદાન કર્યું હતું. એમાં રૂઢિચુસ્ત પાર્ટી (કન્ઝર્વેટિવ પાર્ટી)ના 211 સંસદસભ્યોએ જોન્સનની નેતાગીરીમાં વિશ્વાસ પ્રગટ કરતાં લેતાં એમનું વડાપ્રધાન પદ ટકી ગયું છે. જોન્સનની વિરુદ્ધમાં 148 મત પડ્યા હતા.

બ્રિટનમાં વધી રહેલી મોંઘવારી અને પાર્ટીગેટ કૌભાંડને કારણે જોન્સનનું વડાપ્રધાન પદ જોખમમાં આવી ગયું હતું. પરંતુ તેઓ એમની રાજકીય કારકિર્દીની સૌથી કઠિન કસોટીમાંથી પાર ઉતર્યા છે. કોરોનાવાઈરસ મહામારીના ફેલાવાને કારણે જોન્સનની સરકારે જ દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું હતું ત્યારે જોન્સને એમના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એમના કેટલાક કર્મચારીઓ સાથે પાર્ટી યોજી હતી. એને કારણે એમની આકરી ટીકા કરવામાં આવી હતી. ખુદ એમના જ કન્ઝર્વેટિવ પક્ષના 40 સંસદસભ્યોએ જોન્સનના રાજીનામાની માગણી કરી હતી. પરિણામે સંસદમાં જોન્સન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાનું વિપક્ષનું કામ આસાન બની ગયું હતું. વિશ્વાસનો મત જીતવા માટે જોન્સને 180 મત મેળવવા જરૂરી હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]