બ્રિટનવાસીઓનાં ફોનમાં સાઈરન જેવું ઈમર્જન્સી એલર્ટ મોકલાશે

લંડનઃ હવામાનમાં કોઈ ઓચિંતા ખતરનાક પલટા જેવી જીવલેણ આફત ત્રાટકે કે ઘટના બને એ પહેલાં તે વિશેની આગોતરી જાહેર ચેતવણી આપતી એક નવી સિસ્ટમનું આવતા મહિને બ્રિટનમાં પરીક્ષણ કરવામાં આવનાર છે. તે અંતર્ગત આખા બ્રિટનમાં તમામ યૂઝર્સનાં મોબાઈલ ફોનમાં સાઈરનના અવાજ જેવો એક એલર્ટ મેસેજ મોકલવામાં આવશે.

બ્રિટિશ સરકારે આજે કરેલી જાહેરાત મુજબ, 23મી એપ્રિલે સાંજની શરૂઆતમાં જ આખા બ્રિટનમાં એક એલર્ટ ટેસ્ટિંગ કરવામાં આવશે જે સાથે તમામ લોકોનાં મોબાઈલ ફોન પર એક ટેસ્ટ મેસેજ મોકલવામાં આવશે અને સાઈરન વાગશે.

આ ટેસ્ટ મેસેજ મોકલીને લોકોને એક નવી ઈમર્જન્સી એલર્ટ સિસ્ટમથી વાકેફ કરવાનું છે જેનો ઉપયોગ કોઈ તાત્કાલિક જીવલેણ આફત આવવાની સંભાવના વિશે લોકોને આગોતરાં સાવધાન કરી દેવા માટે કરવામાં આવશે. ભગવાન કરે ને કદાચ એવુંય બને કે મહિનાઓ કે વર્ષો સુધી એવી કોઈ જીવલેણ આફત આવે જ નહીં અને બ્રિટનવાસીઓનાં મોબાઈલ ફોન પર એવું ઈમર્જન્સી એલર્ટ મોકલવાની સત્તાવાળાઓને જરૂર પડે જ નહીં.

હાલ આ ઈમર્જન્સી એલર્ટમાં આતંકવાદી હુમલાને આવરી લેવામાં આવ્યા નથી, પરંતુ સમય જતાં યાદીમાં એનો સમાવેશ થઈ શકે છે.