માલ્યાની લંડનમાંની સંપત્તિ જપ્ત કરવાની બ્રિટિશ કોર્ટે પરવાનગી આપી

લંડન – ભારતના ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ફટકો પડ્યો છે. બ્રિટનની કોર્ટે ભારતની બેન્કોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. લંડનમાં માલ્યાની સંપત્તિઓને જપ્ત કરવાની એમને પરવાનગી આપી છે.

તપાસાર્થે લંડન નજીકના હર્ટફોર્ડશાયરમાં 62 વર્ષીય માલ્યાની પ્રોપર્ટીઓમાં પ્રવેશ કરવાની બ્રિટિશ હાઈકોર્ટના પોલીસ અધિકારીને પરવાનગી આપી છે.

માલ્યા હાલ જ્યાં રહે છે તે ટેવીન, વેલ્વીન વિસ્તારસ્થિત લેડીવોક અને બ્રેમ્બલ લોજમાં પણ પ્રવેશ કરવાની પોલીસ ઓફિસર તથા એમના એજન્ટ્સને બ્રિટિશ કોર્ટે પરવાનગી આપી છે.

હાઈકોર્ટના ક્વિન્સ બેન્ચ ડિવિઝનનો આ ચુકાદો ભારતની 13 બેન્કો માટે વિજય સમાન છે. આ 13 બેન્કો વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સને લોન આપીને ફસાઈ ગઈ છે. આ બેન્કો છે – સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કોર્પોરેશન બેન્ક, ફેડરલ બેન્ક લિમિટેડ, આઈડીબીઆઈ બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, જમ્મુ એન્ડ કશ્મીર બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ માયસોર, યૂસીઓ બેન્ક, યુનાઈડેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને જે.એમ. ફાઈનાન્સિયલ એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની પ્રા.લિ.