ટ્વિટર પર દરરોજ પાંચ-લાખ નકલી-એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરાય-છે?

સેન ફ્રાન્સિસ્કોઃ દુનિયાના શ્રીમંત નંબર-1 ઈલોન મસ્ક અને ટ્વિટર કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલ વચ્ચે ભારે મતમતાંતર પ્રવર્તે છે. મસ્કે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર નકલી એકાઉન્ટ્સની વિગત મગાવ્યા બાદ અગ્રવાલે સ્પેમ (નકલી) એકાઉન્ટ્સ અંગે ટ્વિટર પર ટ્વીટ્સનું એક લાંબું થ્રેડ શેર કર્યું છે. અગ્રવાલે ટ્વીટમાં લખ્યું છે કે, ‘અમે દરરોજ પાંચ લાખથી પણ વધારે સ્પેમ એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરીએ છીએ. તમે લોકો ટ્વિટર પર જુઓ પહેલા જ એવા અસંખ્ય એકાઉન્ટ્સ અમે સસ્પેન્ડ કરી દઈએ છીએ. સ્પેમ હોવાની શંકા પરથી અમે દર અઠવાડિયે એવા લાખો એકાઉન્ટ્સ લોક કરી દઈએ છીએ.’ અગ્રવાલે એમ પણ લખ્યું છે કે, ‘આ સ્પેમ એકાઉન્ટ્સવાળાઓ સાચા એકાઉન્ટ્સ સાથે છેડછાડ કરતા હોય છે અને પછી પોતાના પ્રચારને આગળ વધારવા માટે એનો ઉપયોગ કરતા હોય છે.’

અગ્રવાલના આ ટ્વીટ્સનો ઈલોન મસ્કે ‘poo’ ઈમોજી દર્શાવીને પ્રતિસાદ આપ્યો છે. ત્યારબાદ એમણે પોતાનો સવાલ દોહરાવ્યો છેઃ ‘તો પછી એડવર્ટાઈઝર્સને ખબર કેવી રીતે પડે કે એમને તેમના નાણાં સામે કેટલું વળતર મળી રહ્યું છે? ટ્વિટરના આર્થિક આરોગ્ય માટે તો આ મૂળભૂત બાબત કહેવાય.’

મસ્કના આ પ્રતિસાદથી એવી શંકા પણ ઊભી થઈ છે કે તેઓ ટ્વિટરને ખરીદવાના નિર્ણયમાં આગળ વધશે કે નહીં. કારણ કે, 44 અબજ ડોલરમાં ટ્વિટરને ખરીદવાનો સોદો જાહેર થયા બાદ મસ્કે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે એમને નકલી ટ્વિટર એકાઉન્ટ્સ અંગેની વિગત જ્યાં સુધી પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ સોદો સ્થગિત રાખશે.