પાકિસ્તાનમાં હુમલા પછી ચીની શિક્ષકોને પરત બોલાવવાના નિર્દેશ

કરાચીઃ કરાચી યુનિવર્સિટીની કોન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટના ત્રણ ચાઇનીઝ શિક્ષકોનાં મોત પછી યુનિવર્સિટીના ચાઇનીઝ શિક્ષકો દેશ છોડીને જઈ રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનનાં અન્ય શહેરોમાંથી પણ અન્ય ચાઇનીઝ શિક્ષકો પણ દેશ છોડવા માટે તૈયાર છે. કરાચી યુનિવર્સિટીમાંથી જ નહીં, પણ કોન્ફ્યુશિયસ ઇસ્ટિટ્યૂટના અન્ય શિક્ષકોને પણ ચીનમાં પરત ફરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે, એમ કરાચી યુનિવર્સિટીના વિભાગના વડા ડો. નાસિર ઉડ્ડેને જણાવ્યું હતું.

પાકિસ્તાનમાં મોટી ઇન્સ્ટિટ્યૂટોમાંની એક કોન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટસના 30 ચાઇનીઝ શિક્ષકો અને અન્ય સ્થાનિક શિક્ષકો સાથે આ સંસ્થામાં 7000 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયેલા છે. હાલમાં પાકિસ્તાનમાં પાંચ કોન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ અને બે ક્લાસરૂમ આવેલા છે. આ સાથે આ ઇન્સ્ટિટયૂટમાં 30,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જોકે ચાઇનીઝ ઇન્સ્ટ્રક્ટર્સને તત્કાળ ચીન પરત ફરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં કેટલાંક સપ્તાહ પહેલાં બુરખો પહેરીને આવેલી બલૂચ મહિલાએ આત્મઘાતી હુમલો કરીને કરાંચી યુનિવર્સિટીની અંદર એક વાહનની પાસે આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં ત્રણ ચાઇનીઝ શિક્ષકોનાં મોત થયાં હતાં. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સંબંધિત મજિદ બ્રિગ્રેડે લીધી હતી.

BLAના 26 એપ્રિલના આત્મઘાતી બોમ્બ હુમલામાં સંસ્થાના પ્રમુખ હુઆંગ ગુઇપિંગ અને અન્ય બે ચીની શિક્ષકો- ચિન સાઇ અને ડિંગ મુપેંગનાં મોત થયાં હતાં. પાકિસ્તાની સરકારે ચાઇનીઝોને પૂરતી સલામતીનું વચન આપ્યા છતાં ચીને તેમના શિક્ષકોને પરત બોલાવવા માટે નિર્દેશ આપ્યા હતા.