મોદીએ લુંબિનીમાં માયાદેવી મંદિરમાં પૂજા-પ્રાર્થના કરી

કાઠમંડુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે પડોશના નેપાળના પ્રવાસે ગયા છે. આજે સવારે ત્યાં પહોંચીને એમણે લુંબિની ધર્મસ્થળે માયાદેવી મંદિરમાં જઈને દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. એમની સાથે નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા પણ હતા. આજે બુદ્ધપૂર્ણિમા પર્વ છે, જે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. લુંબિની ગૌતમ બુદ્ધનું જન્મસ્થાન ગણાય છે અને મોદીએ ત્યાં જઈને પ્રાર્થના કરી હતી.

લુંબિનીને સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની પેટાસંસ્થા યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કર્યું છે. મોદી અને દેઉબાએ લુંબિનીમાં જ ભારત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંસ્કૃતિ અને વિરાસત કેન્દ્રની શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી. એમણે અને દેઉબાએ સાથે મળીને કેન્દ્રની આધારશિલા રાખી હતી.

આ કેન્દ્રનું બાંધકામ નવી દિલ્હીસ્થિત ઈન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશનના પ્રયાસોથી, લુંબિની ડેવલપમેન્ટ ટ્રસ્ટના ઉપક્રમે અને ભારતના કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના આર્થિક સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]