અમેરિકાના સુપરમાર્કેટ સ્ટોરમાં વંશીય ગોળીબારમાં 10નાં મરણ

ન્યૂયોર્ક સિટીઃ ન્યૂયોર્ક રાજ્યના બફેલો શહેરમાં આવેલા એક સુપરમાર્કેટ સ્ટોરમાં એક બંદૂકધારીએ વંશીય ઝનૂનમાં આવીને કરેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 10 જણના મરણ થયા છે. હુમલાખોર બંદૂકધારીને પકડી લેવામાં આવ્યો છે. તે શ્વેત યુવક છે અને કિશોરવયનો છે. એનું નામ પેટન ગેન્ડ્રોન છે અને એ ન્યૂયોર્કના કોન્ક્લીનનો રહેવાસી છે. એણે મિલિટરી ગણવેશ જેવો ડ્રેસ પહેર્યો હતો અને માથા પર કાળા રંગની હેલ્મેટ પહેરી હતી. શનિવારે સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ અઢી વાગ્યાના સુમારે એ કારમાં સુપરમાર્કેટ પહોંચ્યો હતો. એ સેમી-ઓટોમેટિક રાઈફલ, શિકાર માટેની રાઈફલ અને એક શોટગન સાથે સજ્જ થયો હતો. એણે બુલેટપ્રુફ જેકેટ પણ પહેર્યું હતું. ઈમારત પરિસરમાં પ્રવેશ્યા બાદ એણે બેફામ ગોળીબાર શરૂ કર્યો હતો. પહેલા એણે પાર્કિંગ એરિયામાં ગોળીબાર કર્યો હતો જ્યાં ત્રણ જણ માર્યા ગયા હતા. ગોળીબારમાં એક જણ ઘાયલ થયો હતો. બાદમાં એ સ્ટોરમાં ઘૂસ્યો હતો અને ગોળીબાર શરૂ કર્યો હતો. ફરજ પરના સુરક્ષા ચોકિયાતે વળતો ગોળીબાર કર્યો હતો, પરંતુ ગોળી વાગવાથી તે ચોકિયાતનું બાદમાં મૃત્યુ થયું હતું. સ્ટોરની અંદર ઘૂસીને હુમલાખોરે ગ્રાહકો અને કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો. એમાં છ જણ માર્યા ગયા હતા. અન્ય પોલીસોને જાણ થતાં તેઓ સ્ટોર ખાતે પહોંચી ગયા હતા અને હુમલાખોરને પકડી લીધો હતો.

ટોપ્સ ફ્રેન્ડ્લી માર્કેટ નામનો આ સુપરસ્ટોર બફેલોના તળવિસ્તારથી આશરે બે માઈલ દૂર ઈશાન ખૂણે આવેલો છે. આ વિસ્તારમાં અશ્વેત લોકોની બહુમતી વસ્તી છે. અમેરિકાના પ્રમુખ જૉ બાઈડનને આ ઘટનાથી તરત જ વાકેફ કરવામાં આવ્યા હતા, એમ વ્હાઈટ હાઉસે કહ્યું છે.