લંડનઃ બ્રિટનમાં રૂઢિચુસ્ત પાર્ટી (કન્ઝર્વેટિવ પાર્ટી)નું નેતાપદ અને દેશનાં વડા પ્રધાનનો હોદ્દો હાંસલ કરવામાં સંસદસભ્ય લિઝ ટ્રસ બાજી મારી ગયાં છે. આ ભૂતપૂર્વ વિદેશ પ્રધાને આ પદ માટેની રેસમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય મૂળના રિશી સુનકને પરાજય આપ્યો છે.
આ સાથે ટ્રસ બ્રિટનનાં ત્રીજાં મહિલા વડાં પ્રધાન બન્યાં છે. આ પહેલાં માર્ગારેટ થેચર અને થેરેસા મે વડાં પ્રધાન બન્યાં હતાં. ટ્રસ બોરીસ જોન્સનનાં અનુગામી બન્યાં છે. જોન્સનની સરકારમાં ટ્રસ વિદેશ પ્રધાન હતાં. અનેક વિવાદોને કારણે સાથી પ્રધાનો તથા શાસક પક્ષનાં સંસદસભ્યોના જોરદાર વિરોધને કારણે જોન્સને એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. એને પગલે પક્ષનાં નવા નેતા અને તે સાથે જ નવા વડા પ્રધાનની નિમણૂક કરવાનો માર્ગ મોકળો બન્યો હતો.
47 વર્ષનાં એલિઝાબેથ (લિઝ) ટ્રસે રિશી સુનકને 20,000થી વધારે મતથી પરાજય આપ્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં કરવામાં આવેલા મતદાનમાં ટ્રસને 81,326 મત મળ્યાં હતાં જ્યારે રિશી સુનકને ફાળે 60,399 મત આવ્યા છે. 2015ની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આ ચોથા નેતા વડા પ્રધાન બન્યા છે. તેઓ આવતીકાલે બ્રિટનનાં રાણી એલિઝાબેથ-દ્વિતીયને મળવા જશે અને ત્યારબાદ સરકાર રચવાનું રાણી તરફથી આમંત્રણ મળ્યાં બાદ પોતાનું પદ સત્તાવાર રીતે સંભાળશે. પોતાની જીત બાદ ટ્રસે ટ્વિટરના માધ્યમથી લોકોનો આભાર માન્યો છે.
