– તો ફંડિંગ રોકી દઈશઃ ટ્રમ્પની અમેરિકાની શાળાઓને ચેતવણી

વોશિંગ્ટનઃ વિશ્વમાં જ્યાં કોરોના સંક્રમણના કેસો 1.21 કરોડના આંકડાને પાર કરી ગયા છે ત્યાં મૃતકોની સંખ્યા પણ 5.52 લાખને પાર પહોંચી ગઈ છે. અમેરિકામાં એક જ દિવસમાં સંક્રમિતોના તમામ રેકોર્ડ તૂટ્યા અને કુલ 60,000 જેટલા કેસ નોંધાયા. જો કે આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની શાળાઓ ખોલવાને લઈને ચેતવણી આપી છે કે જો શાળાઓને ફરી શરૂ કરવામાં નહીં આવે તો સરકાર તરફથી તેમનું ફંડિંગ રોકી દેવામાં આવશે.

ટ્રમ્પે દેશના રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ પર દબાણ વધારવા છતાં પણ ન્યૂયોર્ક સિટી શહેરે જાહેરાત કરી કે અમારે ત્યાંના મોટાભાગના વિદ્યાર્થીઓ એક સપ્તાહમાં માત્ર 2-3 દિવસ જ શાળાએ જશે. આ સિવાયના સમયમાં તેઓ ઓનલાઈન ક્લાસમાં જોડાશે. ન્યૂયોર્ક સિટીમાં ચાર લાખથી વધારે કેસો નોંધાઈ ચૂક્યા છે જ્યારે અમેરિકામાં અત્યારસુધીમાં કોરોના વાયરસના 31.39 લાખથી વધારે કેસો થયા છે. દેશમાં 1.34 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે જાહેરાત કરી કે આવતા સપ્તાહે કેટલીક નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, નવી ગાઈડલાઈન્સ આવતા સપ્તાહે જાહેર થશે, જેનાથી શાળાઓને ખૂબ મદદ મળશે.અમેરિકાના એક ટોચના ડોક્ટર એન્થની ફૌસીએ કોરોનાની રસીને લઈને આશાઓ વ્યક્ત કરી છે કે આ વર્ષના અંત સુધીમાં અથવા 2021 ની શરુઆત સુધીમાં કોરોના વાયરસની રસી આવી શકે છે. તેમણે કહ્યું કે, તેઓ માનવ પરિક્ષણના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. ડોક્ટર ફૌસીએ જણાવ્યું કે, વાયરસ વધવાની શક્યતાઓ રહેશે. તેમણે જણાવ્યું કે, આ મામલે વૈશ્વિક સહયોગ અને પારદર્શીતા ખૂબ મહત્વની છે.