અમને અલગ સિંધુ દેશ આપોઃ પાકિસ્તાનમાં સિંધીઓએ કૂચ કાઢી

કરાંચીઃ ભારતની સરજમીનથી અલગ ચોકો માંડેલા પાકિસ્તાનને પોતાને પણ એવા આંદોલનોનો સામનો કરવાના દહાડા આવ્યાં છે. સમાચાર સંસ્થા એએનઆઈના હવાલે ખબર મળી રહ્યાં છે કે પાકિસ્તાનના સિંધી સમુદાયે અલગ સિંધુ દેશની માટે અવાજ ઉઠાવ્યો છે. સ્વતંત્ર સિંધુદેશની માગણી માટે હજારો સિંધીઓએ કરાચીમાં કૂચ કરી હતી. તેમની માગણીના સમર્થનમાં, દેશભરના સિંધી નાગરિકોએ કરાચીના ગુલશન-એ-હદીદથી પ્રેસ ક્લબ સુધી કૂચ કરી હતી. હજારો લોકોએ તેમના હાથમાં સિંધુદેશના પ્રતીક લાલ ધ્વજ સાથે સ્વતંત્ર દેશના સમર્થનમાં સૂત્રો પોકાર્યાં હતાં.

ફાઈલ

પાકિસ્તાનથી સ્વતંત્ર સિંધુદેશ બનાવવાની માગણી સૌપ્રથમવાર 1972માં ઊઠી હતી જ્યારે સિંધી નેતા જી.એમ. સઇદ દ્વારા પોતાના હકની વાત કહેવામાં આવી હતી. 1995માં જી.એમ. સઈદના અવસાન પછી  સિંધુદેશના આંદોલનને ચાલુ રાખવાના ઉદ્દેશ્યથી અલગ પાર્ટી બનાવાઈ હતી જેનું નામ જય સિંધ કૌમી મહાજ (જેએસક્યૂએમ) રાખવામાં આવ્યું હતું. કરાચીમાં રવિવારની આ કૂચ જેએસક્યુએમ પાર્ટી દ્વારા યોજવામાં આવી હતી. આ પ્રસંગે પાર્ટીના વર્તમાન પ્રમુખ સુનન કુરેશી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓએ ઉપસ્થિત જનસમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. તેમણે પોતાની માગણીઓનું મુખ્ય કારણ સિંધી ભાષા અને સંસ્કૃતિના ખતરાને ટાંક્યું છે.

ફાઈલ

સિંધી સમુદાયનું કહેવું છે કે સિંધ પોતીકી રીતે જ એક અલગ રાષ્ટ્ર છે, પરંતુ પાકિસ્તાને તેના પર બળજબરીથી કબજો કરી રાખ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]