વોડા-આઈડિયાનો નવો ફણગોઃ પોસાતું નથી એટલે ડિસેમ્બરથી ટેરિફમાં વધારો

નવી દિલ્હી– દેવાના બોજ નીચે દબાયેલી ટેલીકોમ કંપની વોડાફોન આઈડિયાએ સાફ કહી દીધું છે, કે તેઓ પોતાની સેવાઓ હાલના રેટ્સ પર હવે વધુ નહીં આપી શકે. કંપનીએ સત્તાવાર રીતે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ગ્રાહકોને વિશ્વસ્તરીય ડિજિટલનો અનુભવ આપવા માટે અમે હવે 1 ડીસેમ્બર, 2019થી ટેરિફના ભાવમાં વધારો કરીશું. જો કે કંપનીએ ટેરિફમાં પ્રસ્તાવિત વધારા અંગેની કોઈ જાણકારી આપી નથી. એરટેલે આગામી ડીસેમ્બરમાં પોતાની સેવાના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

આપને જણાવી દઈએ કે કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 50,922 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી. કોઈપણ ભારતીય કંપનીની એક ત્રિમાસિક ગાળામાં અત્યાર સુધીની આ સૌથી મોટી ખોટ છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી બાકી રહેલ પેમેન્ટ માટે જરૂરી જોગવાઈ કરવાથી આ નુકસાન થયું છે.

ખરેખર કોર્ટે સરકારના પક્ષમાં ચૂકાદો આપતા વોડાફોન આઈડિયા સહિત બાકી ટેલીકોમ કંપનીઓના બાકી રહેલા ચૂકવણાંના નાણાં દૂરસંચાર વિભાગને કરવા નિર્દેશ કર્યો હતો. વોડાફોન આઈડિયા આ બાબતે કહ્યું હતું કે બિઝનેસ ચાલુ રાખવા માટે તેમની ક્ષમતા સરકારી રાહત અને કાયદાકીય વિકલ્પોના પોઝિટિવ પરિણામો પર નિર્ભર કરે છે.

કંપનીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ટેલીકોમ ક્ષેત્રમાં ગંભીર નાણાકીય સંકટને તમામ હિતધારકોએ માન્યું છે. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિ રાહત આપવા પર વિચાર કરી રહી છે.

ટેલીકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની એરટેલ પણ તેમનો બિઝનેસને વ્યવહારિક બનાવવા માટે 1 ડિસેમ્બરથી મોબાઈલ સેવા મોંઘી કરી રહી છે. જાહેર કરેલા નિવદેન મુજબ દૂરસંચાર ક્ષેત્રમાં ઝડપથી બદલાતી પ્રૌદ્યોગિકીની સાથે ખૂબ મોટાપાયે મૂડીની જરૂરિયાત હોય છે. જેમાં સતત રોકાણની પણ જરૂરિયાત હોય છે. આ કારણે જ ડિજિટલ ઈન્ડિયાના વિચારનું સમર્થન કરવા માટે ઉદ્યોગોને પણ વ્યવહારિક બનાવવા જોઈએ.

એરટેલ પણ ડિસેમ્બરમાં યોગ્ય ભાવ વધારો કરશે. આપને જણાવી દઈએ કે એરટેલે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં 23,045 કરોડનું નુકસાન દર્શાવ્યું છે. કંપનીએ રેટ્સમાં વધારાની સાથે જાહેરાત કરતાં કહ્યું છે કે તે માને છે કે દૂરસંચાર નિયામક ટ્રાઈ ભારતીય મોબાઈલ ક્ષેત્રમાં મૂલ્ય નિર્ધારણમાં તર્કસંગત વ્યવહાર લાવવા માટે સલાહ સૂચનની પ્રક્રિયા શરૂ કરી શકે છે.