તેલ અવીવઃ હમાસ-પેલેસ્ટીન સાથે ઈઝરાયલનું હાલ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના પ્રમુખ જો બાઈડન આજે ઈઝરાયલની મુલાકાતે પહોંચ્યા છે. ગાઝા સ્ટ્રીપમાં ગઈ કાલે 500 જણનો ભોગ લેનાર એક હોસ્પિટલ પરના ભયાનક હુમલાને લીધે દુુનિયાભરમાં અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો છે ત્યારે બાઈડને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ પર પોતાનો સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું કે, ગાઝાની હોસ્પિટલ પર ગઈ કાલે રાતે કરવામાં આવેલો હુમલો ‘કોઈ અન્ય ટોળકી’નું કૃત્ય છે, ઈઝરાયલે તે હુમલો કર્યો નહોતો.
ગાઝામાં આવેલી અલ અહલી હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં 500થી વધુ લોકોના જાન ગયા હતા અને બીજાં ઘણા લોકો જખ્મી થયાં છે. ઈઝરાયલના સંરક્ષણ દળોએ આ હુમલા માટે ઈસ્લામી જિહાદ આતંકવાદી સંગઠન હમાસને દોષી ગણાવ્યું છે. ઈઝરાયલી દળોનું કહેવું છે કે હમાસે ફાયર કરેલું રોકેટ નિષ્ફળ ગયું હતું.
આજે તેલ અવીવમાં, નેતાન્યાહૂ સાથેની બેઠક દરમિયાન ઈઝરાયલનું સમર્થન કરીને બાઈડને કહ્યું કે, ‘આખી દુનિયા જોઈ રહી છે. ઈઝરાયલ અમેરિકાની જેવા જ મૂલ્ય ધરાવે છે. ગઈ કાલે ગાઝાની હોસ્પિટલમાં વિસ્ફોટને કારણે જે જાનહાનિ થઈ એનાથી હું ખૂૂબ જ દુઃખી થયો છું. મને જે કંઈ જાણવા મળ્યું છે તેના પરથી એવું લાગે છે કે આ હિચકારું કૃત્ય કોઈ અન્ય ટોળકીનું છે, તમારું (ઈઝરાયલનું) નહીં.’