વોશિંગ્ટનઃ કોરોના વાયરસ વિશ્વભરમાં વધુને વધુ ફેલાઈ રહ્યો છે. એમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જે નિવેદન કર્યું છે તે ભારત સહિત આખા વિશ્વ માટે ચિંતાજનક છે. WHOના પ્રમુખ ડો. ટેડ્રોસ એડનોમ ગેબ્રિસસે કહ્યું છે કે, વિશ્વના અનેક દેશ કોરોના સામે લડવા માટે ખોટી દિશામાં કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે આનાથી સાબિત થાય છે કે જે ઉપાયોની વાત કરવામાં આવી રહી છે તેનું પાલન થઈ રહ્યું નથી. પત્રકારો સાથે વાત કરતા ડો.ટેડ્રોસે કહ્યુું કે વિશ્વભરના નેતાઓ જે પ્રકારે મહામારીને પહોંચી વળવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે તેના પરથી લોકોનો ભરોસો ઘટ્યો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ હજી પણ લોકોનો સૌથી મોટો દુશ્મન છે.
WHO પ્રમુખે કહ્યું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા અને માસ્ક પહેરવું તે કોરોનાથી બચવાના ઉપાયો છે અને આને તમામ લોકોએ ગંભીરતાથી લેવાની જરુર છે. તેમણેે ચેતવણી આપતા કહ્યું કે, નજીકના ભવિષ્યમાં બધુ સામાન્ય થાય તેવું લાગતું નથી. ડો. ટેડ્રોસે કહ્યું કે, જો કેટલીક તકેદારીઓનું પાલન ન કરવામાં આવ્યું તો કોરોના અટકશે નહીં અને વધતો જ જશે. જો ધ્યાન રાખવામાં નહીં આવે તો સ્થિતિ વધારે ખરાબ થશે.
WHOના ઈમરજન્સી ડિરેક્ટર માઈક રાયને કહ્યું છે કે, અમેરિકામાં લોકડાઉનમાં ઢીલ અને કેટલાક વિસ્તારોને ખોલવાથી સંક્રમણ વધારે તેજીથી ફેલાય તેવું સંકટ છે. લેટિન અમેરિકામાં એક લાખ 45 હજારથી વધારે લોકોના કોરોનાથી મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃત્યુઆંક હજી વધશે કારણ કે જેટલું જરુરી છે તેટલું ટેસ્ટિંગ થઈ રહ્યું નથી. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડાઓ અનુસાર, અમેરિકા હજી કોરોનાનો માર સૌથી વધારે ભોગવી રહ્યું છે. અહીંયા અત્યારસુધીમાં 33 લાખ જેટલા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને એક લાખ 35 હજારથી વધારે લોકોના જીવ ગયા છે.
ડો. રાયને કહ્યું કે, આપણે વાયરસ સાથે જીવતા શીખી લેવું પડશે. તેમણે કહ્યું કે, વાયરસ ખતમ કરવાની અપેક્ષા રાખવી અથવા તો કેટલાક મહિનાઓમાં વેક્સિન તૈયાર થઈ જશે તેવી આશાઓ રાખવી તેમાં કોઈ સત્ય નથી. તેમણે કહ્યું કે, હજી એ પણ સાબિત નથી થયું કે કોરોના વાયરસ થયા બાદ એ બીમારીમાંથી સાજા થનારા લોકોમાં ઈમ્યુનિટી બની રહી છે કે નહીં. તેમણે કહ્યું કે જો ઈમ્યુનિટી બની પણ રહી હશે તો પણ તેનો ખ્યાલ નહી આવે કે તે ક્યાં સુધી અસરકારક રહેશે.