વિશ્વના સૌથી શ્રીમંતોઃ યાદીમાં મસ્કે બફેટને પાછળ રાખી દીધા

કેલિફોર્નિયાઃ બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં ટેસ્લા કંપનીના CEO એલન મસ્ક વોરેન બફેટને પાછળ પાડીને વિશ્વના સાતમા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા છે. બ્લુમબર્ગના જણાવ્યા અનુસાર મસ્કની નેટવર્થમાં 6.1 અબજ અમેરિકી ડોલરનો વધારો થયો છે. કંપનીના શેરોમાં 11 ટકાનો ઉછાળો આવતાં નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેથી ટેસ્લાના શેરનું મૂલ્ય 10.8 ટકા વધીને શેરદીઠ 1544 ડોલરે પહોંચી ગયું છે. આ સાથે કંપનીની માર્કેટ વેલ્યુ 286.5 અબજ ડોલરના આંકે પહોંચી છે. મસ્કે ટેક્નોલોજી વર્લ્ડમાં લેરી એલિસન અને સર્જી બ્રેનને પણ પાછળ છોડ્યા છે.

મસ્કનો ટેસ્લામાં 20.8 ટકાનો હિસ્સો

ટેસ્લાના કુલ શેરમાં એલન મસ્ક 20.8 ટકા હિસ્સો ધરાવે છે. જેથી તેમનો હિસ્સો બજારમૂલ્ય પ્રમાણે 60 અબજ ડોલરનો હિસ્સો થાય છે. આ સાથે મસ્ક ટનલિંગ કંપની સ્પેસએક્સ (SpaceX)માં પ્રાથમિક શેરહોલ્ડર છે, કંપનીમાં આશરે તેમની માલિકી 15 અબજ ડોલરની છે.

બફેટે આશરે ત્રણ અબજ ડોલરના મૂલ્યના શેર દાન કર્યા

વોરેન બફેટે બર્કશાયર હેથવેના આશરે ત્રણ અબજ ડોલરના મૂલ્યના શેર દાન કર્યા હતા, જેથી તેમની સંપત્તિમાં ઘટાડો નોંધાયો હતો. તેઓ તેમનાં સાહસો થકી મોટા ભાગની સંપત્તિ દાનમાં આપવાની યોજના ધરાવે છે.

ટેસ્લાના શેરમાં 500 ટકા કરતાં વધુનો ઉછાળો

છેલ્લા 12 મહિનામાં ટેસ્લાના શેરોમાં 500 ટકા કરતાં વધુનો ઉછાળો આવ્યો હતો. એ એસ એન્ડ પી 500માં સામેલ દરેક શેરની કિંમતથી વધુ છે. ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની એ પૃથ્વી પરની મૂલ્યવાન ઓટો કંપની છે.  49 વર્ષીય મસ્ક વિશ્વના શ્રીમંતોની યાદીમાં સાતમા નંબરે પહોંચી ગયા છે અને વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બની શકે છે. જોકે હાલમાં એમેઝોનના CEO જેફ બેઝોસ વિશ્વના પ્રથમ ક્રમાંક છે.

મસ્ક અમેરિકામાં સૌથી વધુ સેલરી મેળવતા CEO

મસ્કનું એક પે પેકેજ 2018માં ટેસ્લાના શેરહોલ્ડરોએ મંજૂર કર્યું હતું. મેના અંતે ટેસ્લાએ મસ્કને 1.8 અબજ ડોલરના સ્ટોક ઓપ્શન આપ્યા હતા. હવે વર્તમાનમાં એક વાર ફરી શેરોનો વિકલ્પ આપ્યો છે- માત્ર બે મહિનામાં બીજી વાર શેરોનો ઓપ્શન આપ્યો છે. મસ્કનું પે પેકેજ 10 વર્ષ દરમ્યાન 2.03 કરોડના શેરોને વિકલ્પ રૂપે આપે એવી શક્યતા છે.

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં ટોપ 10 શ્રીમંતોની યાદી

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં ટોચના 10 માલેતુજારોની યાદી આ મુજબ છે. અમેરિકાના જેફ બેજોસ (ટેક્નોલોજી) 189 અબજ ડોલરની નેટવર્થ સાથે પહેલા ક્રમાંકે છે. ત્યાર પછી બિલ ગેટ્સ- અમેરિકા (ટેક્નોલોજી) 116 અબજ ડોલર સાથે બીજા નંબરે, ત્રીજા નંબરે અમેરિકાના જ 93.08 અબજ ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝુકરબર્ગ (ટેક્નોલોજી), ચોથા નંબરે 92.6 અબજ ડોલરની સંપત્તિ સાથે ફ્રાન્સના બર્નાડ આરનોલ્ટ (કન્ઝ્યુમર), પાંચમા નંબરે 76.8 અબજ ડોલરની નેટવર્થ સાથે અમેરિકાના સ્ટીવ બાલમેર (ટેક્નોલોજી), છઠ્ઠા નંબરે 72.7 અબજ ડોલરની નેટવર્થ સાથે અમેરિકાના લેરી પેજ (ટેક્નોલોજી), પાંચમા નંબરે 70.5 અબજ ડોલરની નેટવર્થ સાથે અમેરિકાના એલન મસ્ક (ટેક્નોલોજી), આઠમા નંબરે 70.4 અબજ ડોલરની સંપત્તિ સાથે અમેરિકાના સર્જી બ્રેન (ટેક્નોલોજી), નવમા નંબરે 70.2 અબજ ડોલરની નેટવર્થ સાથે ભારતના મુકેશ અંબાણી (એનર્જી) અને 10મા નંબરે 69.2 અબજ ડોલરની નેટવર્થ સાથે અમેરિકાના વોરેન બફેટ (ડાઇવર્સિફાઇડ) છે.