અમેરિકા પાક-તાલિબાનની જુગલબંધી પર પ્રહાર કરશે

નવી દિલ્હીઃ પાકિસ્તાનને તાલિબાનની મદદ કરવાનું બહુ મોંઘું પડી શકે છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોના પરત ફર્યા પછી અમેરિકા આતંકવાદ પર સૌથી મોટા પ્રહાર કરવાની તૈયારીમાં લાગી ગયું છે. અમેરિકી સેનેટના 22 સંસદસભ્યોએ તાલિબાન અને આતંકવાદની કમર તોડવા એક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં તાલિબાનથી વધુ પાકિસ્તાનને ઘેરવાની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. જો બિલ પાસ થશે તો પાકિસ્તાન પાઇ-પાઇ માટે તરસી જશે. પાકિસ્તાન પર પાંચ ગંભીર આરોપો છે, જે આ પ્રમાણે છેઃ

 1, પાકિસ્તાનની ઇમરાન સરકાર પર તાલિબાનના લડાકુને હથિયાર સપ્લાય કરવા અને સૈન્યને તાલીમ આપવાનો ગંભીર આરોપ છે.  

2, તાલિબાનની મદદ કરવાથી માંડીને પાકિસ્તાન પર અમેરિકા અને વિશ્વને ખોટું બોલવાનો આરોપ અને આતંકવાદીઓને સંરક્ષણ આપવાનો આરોપ.

3.પાકિસ્તાન પર અફઘાનિસ્તાનમાં હાજર અમેરિકી સૈનિકોની ગતિવિધિઓની માહિતી તાલિબાનને આપવાનો આરોપ.

4,અમેરિકી સૈનિકો પરત ફર્યા બાદ તાલિબાન સરકારની રચનામાં ISIની મહત્ત્વની ભૂમિકા.

5 પાકિસ્તાની સેના પર આરોપ છે કે એણે પંજશીર ઘાટીમાં ગુપ્ત રીતે તાલિબાની લડાકુઓનો સાથ આપ્યો.

જો સેનેટમાં આ બિલ પાસ થયું અને રાષ્ટ્રપ્રમુખ બાઇડનના હસ્તાક્ષર થશે તો અમેરિકી સરકાર પર પ્રતિબંધ લગાવવાનં દબાણ રહેશે. આવું થશે તો એ ચોથી વાર પાકિસ્તાન પર પ્રતિબંધ લાગી જશે. આ પહેલાં પાકિસ્તાન પર વર્ષ 1965, 1971, અને 1998માં પ્રતિબંધ લાગી ચૂક્યા છે.

જો આ પ્રતિબંધ લાગશે તો IMF, વર્લ્ડ બેન્ક અને ADB પાકિસ્તાનને આર્થિક મદદ અને લોનો આપવાનું બંધ કરી દેશે, જેની સીધી અસર પાકિસ્તાનની અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડશે.