કાબુલ માટે કમર્શિયલ-ફ્લાઈટ્સ શરૂ કરવા તાલિબાનની વિનંતી

કાબુલઃ તાલિબાન શાસિત ઈસ્લામિક એમિરેટ ઓફ અફઘાનિસ્તાને ભારતના એવિએશન સેક્ટરની નિયામક ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને પત્ર લખ્યો છે અને વિનંતી કરી છે કે ભારત સરકાર અફઘાનિસ્તાનના કાબુલ શહેર માટે કમર્શિયલ વિમાન સેવા ફરી શરૂ કરે. આ પત્ર પર હાલ સિવિલ એવિએશન મંત્રાલયમાં ચર્ચાવિચારણા ચાલુ છે. અફઘાનિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના કાર્યવાહક પ્રધાન અલ્હાજ હમીદુલ્લા અખુનઝાદાએ આ પત્ર ડીજીસીએ અરૂણ કુમારને લખ્યો છે.

અફઘાનિસ્તાનમાંથી સૈન્ય હટાવી લેવાની અમેરિકાએ જાહેરાત કર્યા બાદ ગઈ 30 ઓગસ્ટે તાલિબાન સંગઠને અફઘાનિસ્તાનમાં સત્તા હસ્તગત કરી છે. ભારતે ગઈ 15 ઓગસ્ટથી કાબુલ માટેની તમામ કમર્શિયલ વિમાન સેવાને બંધ કરી દીધી છે. ભારત સરકારે કાબુલમાં અટવાયેલા ભારતીય નાગરિકોને ઉગારવા માટે છેલ્લે ગઈ 21 ઓગસ્ટે કાબુલમાં ભારતીય હવાઈ દળનું વિમાન મોકલ્યું હતું.