USએ કોરોના-રોગચાળામાં ભારતને $50-કરોડ ડોલરની મદદ કરી

વોશિંગ્ટનઃ અમેરિકાએ અત્યાર સુધી કોરોના રોગચાળામાં 50 કરોડ ડોલરથી વધુની ભારતને મદદ કરી છે. વળી, એણે ટૂંક સમયમાં અન્ય દેશોને આઠ કરોડ રસી વિતરણ કરવાનો સંકલ્પ કર્યો છે, એમ વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં વ્હાઇટ હાઉસના સભ્યોને કહ્યું હતું કે ભારતને કોરોના રોગચાળામાં જે 50 કરોડ ડોલરની મદદ કરી છે, એમાં અમેરિકી રાજ્યોની સરકારોએ, અમેરિકી કંપનીઓએ અને ઓર્ગેનાઇઝેશન્સ તેમ જ અમેરિકાના નાગરિકોએ વ્યક્તિગત રીતે આપેલું યોગદાન સામેલ છે.

જોકે બાઇડન વહીવટી તંત્ર હવે એ મદદ અન્ય દક્ષિણના દેશોને પહોંચાડવા માટે કામ કરી રહ્યું છું. અમે  હેલ્થ સપ્લાય, ઓક્સિજન, ઓક્સિજન સપ્લાય અને 95 માસ્ક, રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને દવાઓ સહિત સાત એર શિપમેન્ટ મોકલ્યા છે.

અમે આઠ કરોડ ડોઝ મોકલવા માગીએ છીએ, એમાં એસ્ટ્રાઝેનકાના છ કરોડ ડોઝ અને અન્ય મંજૂર કરાયેલી ત્રણ રસીને મોકલવા પર કામ ચાલી રહ્યું છે, એમ સાકીએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભારતના લોકો જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, એ ચોક્કસ રીતે અમારા મગજમાં છે, પરંતુ વિશ્વમાં અન્ય કેટલાક દેશો તથા પ્રદેશ છે, જે આ રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત છે તથા એમને પણ મદદની જરૂર છે. આશા છે કે આવનારા દિવસોમાં અમે એના પર કામ કરી શકીશું.