કેન્દ્ર-સરકાર નીતિ ઘડે તો જ: BMC (હાઈકોર્ટને)

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ આજે મુંબઈ હાઈકોર્ટને જણાવ્યું કે અમે વયોવૃદ્ધ, પથારીવશ અને શારીરિક રીતે અક્ષમ નાગરિકોને એમનાં ઘેર જઈને કોરોના-પ્રતિરોધક રસી તો જ આપીશું જો કેન્દ્ર સરકાર આ વિશે નીતિ ઘડે. ઘેર-જઈને કોરોના પ્રતિરોધક રસી આપવા માટે તમે તૈયાર છો? એવું હાઈકોર્ટે ગઈ કાલે મુંબઈ મહાનગરપાલિકાને પૂછ્યું હતું. બીએમસીએ આજે તેનો જવાબ આપ્યો હતો. કોર્ટ ધ્રૂતિ કાપડિયા નામનાં એક એડવોકેટની જનહિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદારે કોર્ટને કહ્યું હતું કે વયોવૃદ્ધ અને પથારીવશ નાગરિકોને એમનાં ઘેર જઈને કોરોના રસી આપવા માટે સત્તાવાળાઓને કોર્ટ આદેશ આપે. આ માગણીને કેન્દ્ર સરકારે કોર્ટમાં નકારી કાઢી હતી. કોર્ટે ગઈ કાલે કેન્દ્રની ઝાટકણી કાઢી હતી અને મહાપાલિકાને કહ્યું હતું કે જો તમે આ કામગીરી બજાવવા તૈયાર હો તો અમે તમને પરવાનગી આપીશું, તમારે એ માટે કેન્દ્ર સરકારની પરવાનગીની રાહ જોવાની જરૂર નથી. તેનો મહાપાલિકાએ આજે પ્રત્યુત્તર આપ્યો હતો.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધારે લોકોને કોરોના-પ્રતિરોધક રસી આપવામાં આવી ચૂકી છે. દેશમાં સૌથી વધારે લોકોને રસી આપવામાં મહારાષ્ટ્ર રાજ્ય પહેલા નંબરે છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના દૂર સુધી પ્રસરેલા પહાડી વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકોને એમનાં ઘેર જઈને કોરોના રસી આપવામાં આવી રહી છે, જેની તસવીરો કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે એમના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે.