નવી દિલ્હીઃ નેપાળમાં વડા પ્રધાન પુષ્પ કમલ ‘પ્રચંડ’ની સરકાર પડી ગઈ છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ શુક્રવારે સંસદમાં વિશ્વાસનો મત હારી ગયા હતા, જેનાથી 19 મહિના સુધી સત્તામાં રહ્યા પછી તેમણે પદ છોડવું પડ્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્માના નેતૃત્વવાળી CPN-UML દ્વારા તેમની સરકારથી ટેકો પરત લીધા પછી પ્રચંડે વિશ્વાસ મત લેવા માટે મજબૂર થવું પડ્યું હતું.
નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ સંસદના નીચલા ગૃહમાં વિશ્વાસ મત મેળવી શક્યા નહીં. તેમના સમર્થનમાં માત્ર 63 મત પડ્યા જ્યારે વિરોધમાં 193 મત. આમાં એક સાંસદે મતદાનમાં ભાગ લીધો ન હતો. સંસદમાં કુલ 258 સાંસદો હાજર હતા. વિશ્વાસ મત મેળવવા માટે ઓછામાં ઓછા 138 મતની જરૂર હતી.ગયા સપ્તાહે તેમની સરકારમાંથી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સવાદી લેનિનવાદી (CPN-UML)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. પ્રચંડ 25 ડિસેમ્બર, 2022એ પદ સંભાળ્યા પછી ચાર વખત વિશ્વાસ મત મેળવવામાં સફળ રહ્યા, પરંતુ આ વખતે તેમને નિષ્ફળતા મળી હતી.
આગામી PM કોણ?
નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પહેલેથી જ આગામી વડા પ્રધાન તરીકે ઓલીનું સમર્થન કરી ચૂક્યા છે. નેપાળી કોંગ્રેસ પાસે પ્રતિનિધિ સભામાં 89 બેઠકો છે, જ્યારે CPN-UML પાસે 78 બેઠકો છે. આ રીતે બંનેની સંયુક્ત સંખ્યા 167 છે, જે નીચલા ગૃહમાં બહુમતી માટે જરૂરી 138થી ઘણી વધારે છે. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ પહેલેથી જ ઓલીને આગામી વડા પ્રધાન તરીકે સમર્થન આપી દીધું છે.