પેન્ડોરા પેપર્સની પહેલી યાદીમાં સચિન, અનિલ અંબાણી સામેલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર અને સંસદસભ્ય સચિન તેંડુલકર, રિલાયન્સ ADAGના વડા અનિલ અંબાણી અને બાયોકોનનાં ચેરપર્સન અને MD કિરણ શો એ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ છે, જેમનાં નામ પેન્ડોરા પેપર્સ સાથે જોડાયેલાં હતા, જે એક તપાસ દ્વારા તેમનાં નાણાકીય રહસ્યોને છતાં કરે છે. એ યાદીમાં વિશ્વમાં હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સામેલ છે.

એ પહેલાં રવિવારે ઇન્ટરનેશનલ કોન્સોર્શિયમ ઓફ ઇન્વેસ્ટિગેટવ જર્નલિસ્ટ્સે (ICIJએ) કેટલાય મિડિયા અહેવાલોમાં નાણાકીય દસ્તાવેજો- પેન્ડોરા પેપર્સના સૌથી મોટા લીકનો ખુલાસો કર્યો હતો, જેમાં 35 હાલના અને ભૂતપૂર્વ વિશ્વના નેતાઓ, 330થી વધુ શ્રીમંત અને શક્તિશાળી રાજકારણીઓનાં નાણાકીય રહસ્યોને છતા કરવાનો દાવો કરવામાં આવ્યો છે અને 91 દેશોના સરકારી અધિકારીઓ તેમ જ કૌભાંડ કરનારા ભાગેડુ અને કલાકારો અને હત્યારાઓ સાથેની સાઠગાંઠ ખુલ્લી કરવામાં આવી છે.

વિદેશોમાં અસ્ક્યામતો ધરાવતા આ ગુપ્ત દસ્તાવેજો સાથે જોડાયેલા લોકોમાં ક્રિકેટર સચિન તેંડુલકર, પોપ મ્યુઝિક દિવા શકિરા, સુપર મોડલ ક્લાઉડિયા શિફર અને ઇટાલિયન ગેંગસ્ટર લેલ ધ ફેટ વનનો સમાવેશ થાય છે. જોકે તેંડુલકરના વકીલે કહ્યું હતું કે ક્રિકેટર સચિનનું મૂડીરોકાણ કાયદેસરનું છે અને એ રોકાણ ટેક્સ સત્તાવાળા પાસે જાહેર કરવામાં આવ્યું હતું. આ પેન્ડોરા પેપર્સની તપાસમાં વિશ્વભરના મિડિયા આઉટલેટ્સના 600 પત્રકારો પણ સામેલ છે અને 1.20 કરોડથી વધુ દસ્તાવેજો પર આધારિત છે, જેમાં કાળાં નાણાં અને તેમની બે નંબરની સંપત્તિઓને જાહેર કરે છે.