કોલંબોઃ આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા શ્રીલંકામાં આર્થિક મુશ્કેલીઓ કમસે કમ બે વર્ષ ચાલશે, એમ નાણાપ્રધાને રોકડની અછતની ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું. શ્રીલંકામાં ખાદ્ય પદાર્થો, બ્લેકઆઉટ, ફ્યુઅલ અને દવાઓની તીવ્ર અછત વર્તાઈ રહી છે.
1948માં સ્વતંત્ર થયા પછી શ્રીલંકા સૌથી ખરાબ આર્થિક સંકટના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. દેશવાસીઓ સરકાર પાસે રાજીનામાની માગ કરતાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. નાણાપ્રધાન અલ સાબરીએ કહ્યું હતું કે લોકોને સાચી વાતની જાણ હોવી જોઈએ. અમે બે વર્ષ સુધી આ આર્થિક સંકટ દૂર નહીં કરી શકીએ, પણ અમે આજે જે પગલાં લઈ રહ્યાં છીએ એ નક્કી કરશે કે સમસ્યા કેટલી લાંબી ખેંચાશે. તેમણે કહ્યું હતું કે દેશની પાસે હવે ફોરેન એક્સચેન્જનું રિઝર્વ 50 મિલિયન ડોલરથી પણ ઓછું બચ્યું છે. શ્રીલંકા આયાત પર નભતું અર્થતંત્ર છે અને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે નાણાં હોવાં જરૂરી છે.
શ્રીલંકાનો સત્તાવાર ડેટા કહે છે કે દેશ પાસે હજી 1.7 અબજ ડોલરની ફોરેન કરન્સીનો ભંડાર છે, પણ એમાં મોટા ભાગની ચાઇનીઝ કરન્સી સામેલ છે, જેનો ઉપયોગ અન્ય દેશોથી આયાત સામે ચુકવણી માટે નથી કરી શકાતો. સરકારે IMF પાસે મદદની ધા નાખી છે, પણ ધિરાણકર્તા તાત્કાલિક સહાય કરે એવી શક્યતા નથી. સરકાર ટૂંક સમયમાં એક નવું બજેટ રજૂ કરશે અને રાજ્યની આવક વધારવા માટે ટેક્સ વધારશે. વર્ષ 2019માં સરકારે ટેક્સમાં જે ત્વરિત ઘટાડો કર્યો એ ઐતિહાસિક ભૂલ હતી, જેથી આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે અને એ પગલાથી ફોકેન રિઝર્વમાં ભારે ઘટાડો થયો હતો. આ ઉપરાંત કોરોના રોગચાળાને કારણે ટુરિઝમ અને રેમિટન્સની આવક પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો.
