કાબુલઃ તાલિબાનના અંકુશ હેઠળના અફઘાનિસ્તાનમાં જે વિદેશ પ્રધાન બને એવી ધારણા રખાય છે તે શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકઝાઈએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનની આંતરિક લડાઈમાં અફઘાનિસ્તાનને ઢસડવું નહીં. સીએનએન-ન્યૂઝ 18 ચેનલને આપેલી મુલાકાતમાં સ્તાનિકઝાઈએ કહ્યું છે કે તાલિબાન એના તમામ પડોશી દેશો સાથે સારા સંબંધ રાખવા ઈચ્છે છે.
ભારતને નિશાન બનાવીને તાલિબાન કદાચ પાકિસ્તાનને મદદ કરશે એવા ચિંતાજનક અહેવાલો વચ્ચે સ્તાનિકઝાઈએ કહ્યું કે મિડિયામાં આવતી વાતો ઘણી વાર ખોટી હોય છે. અમારા તરફથી આવું કોઈ નિવેદન કરાયું નથી કે સંકેત પણ અપાયો નથી. અમે તો અમારા બધા પડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા ઈચ્છીએ છીએ. અમે એવી આશા રાખીએ છીએ કે ભારત અને પાકિસ્તાન એમની આંતરિક લડાઈમાં અફઘાનિસ્તાનનો ઉપયોગ નહીં કરે.