અમેરિકાએ ડેડલાઈન પાળીઃ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય હટાવી લીધું

કાબુલઃ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને હટાવી લેવાની પ્રક્રિયા અમેરિકાએ સોમવારે 30 ઓગસ્ટે પૂરી કરી લીધી છે. પોતાના સૈનિકોને હટાવી લેવાની તાલિબાન શાસકોએ અમેરિકાને 31 ઓગસ્ટ સુધીની મહેતલ આપી હતી અને ચેતવણી આપી હતી કે જો તે આ મહેતલ સુધીમાં કામ પૂરું નહીં કરે તો પરિણામ ભોગવવા પડશે. અમેરિકાએ પોતાનું સૈન્ય હટાવી લેતાં અફઘાનિસ્તાનમાં 20-વર્ષથી ચાલતા યુદ્ધનો અંત આવી ગયો છે. 20 વર્ષ પહેલાં અમેરિકાએ પોતાના સૈન્યને અફઘાનિસ્તાનમાં મોકલ્યું હતું અને તાલિબાનને સત્તા પરથી હાંકી કાઢ્યા હતા. હવે તાલિબાનો ફરીથી સત્તા પર આવી ગયા છે અને અમેરિકાના સૈન્યને હટી જવું પડ્યું છે.

અમેરિકાના સુરક્ષા દળોના આખરી સૈનિકો પણ યૂએસ એર ફોર્સના વિમાન દ્વારા કાબુલમાંથી રવાના થઈ ગયા બાદ તાલિબાને અફઘાનિસ્તાનને સંપૂર્ણ સ્વતંત્ર જાહેર કર્યું છે. એની ખુશાલીમાં તાલિબાનોએ આજે વહેલી સવારે કાબુલમાં હવામાં ગોળીબાર કર્યો હતો. અફઘાનિસ્તાનમાંથી રવાના થનાર આખરી અમેરિકન સૈનિકનું નામ છે મેજર જનરલ ક્રિસ ડોનેયૂ.

અમેરિકા તથા NATO (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન અથવા નોર્થ એટલાન્ટિક અલાયન્સ) સમૂહમાં એની સાથે જોડાયેલા દેશો (યૂરોપના 28 અને ઉત્તર અમેરિકાના બે દેશ)એ પણ પોતપોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી હટાવી લીધા છે. અફઘાનિસ્તાનમાંથી સૈનિકોને હટાવી લેવાની અંધાધૂંધીભરી રહેલી આ પ્રક્રિયાને અમેરિકા અને સહયોગી દેશોએ બે અઠવાડિયામાં પૂરી કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]