કાબુલઃ તાલીબાન બળવાખોરો અફઘાનિસ્તાનના પાટનગર શહેર કાબુલની હદમાં પ્રવેશી ચૂક્યા છે. પોતાનું નામ જાહેર ન કરવાની શરતે અફઘાન સરકારી અધિકારીઓએ એ.પી. સમાચાર સંસ્થાએ જણાવ્યું છે કે કાબુલના હદવિસ્તારમાં સરકારી સુરક્ષા દળો અને તાલીબાન વચ્ચે હજી સુધી કોઈ લડાઈ થઈ નથી. તાલીબાન યોદ્ધાઓએ કાલકન, કારાબાગ અને પાઘમન જિલ્લાઓ કબજે કરી લીધા છે. તાલીબાને પ્રમુખ અશરફ ઘનીની આગેવાની હેઠળની સરકારના કબજામાંથી પૂર્વ અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરનો કબજો આજે મેળવી લીધો છે. હવે આ સંગઠનના કબજામાંથી માત્ર કાબુલ જ બાકી રહી ગયેલું એકમાત્ર મોટું શહેર છે.
દરમિયાન અમેરિકાના સુરક્ષા દળોએ નાગરિકોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવા માટે મોટા પાયે કામગીરી હાથ ધરી છે. અફઘાન સરકારે પણ કર્મચારીઓને પોતપોતાના ઘેર વહેલા મોકલવાનું શરૂ કરી દીધું છે. કાબુલ પરના આકાશમાં અનેક મિલિટરી હેલિકોપ્ટરો ચક્કર મારતા જોઈ શકાતા હતા.