તાલિબાન દેશનું-નામ બદલશેઃ ‘ઈસ્લામિક એમિરેટ ઓફ અફઘાનિસ્તાન’

કાબુલઃ તાલિબાન બળવાખોરોએ અફઘાનિસ્તાનમાં બળપૂર્વક સત્તા કબજે કરી છે. એમણે દેશના પાટનગર કાબુલ પર કબજો જમાવી દીધો છે. સંગઠનના પ્રવક્તા મોહમ્મદ નઈમે અલ જઝીરા ટીવી સાથે કરેલી વાતચીતમાં જાહેરાત કરી છે કે, ‘અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે અને અમે દુનિયાના દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધ રાખવા માગીએ છીએ.’ નઈમે કહ્યું કે, ‘અમે અમારા જ દેશમાં વિખૂટા પડેલી હાલતમાં રહેવા માગતા નથી. અમે દેશમાં મહિલાઓ તથા લઘુમતી કોમોનાં લોકોનો આદર કરીશું.’ દરમિયાન, અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘની ગઈ કાલે જ દેશ છોડીને જતા રહ્યા હોવાના અહેવાલો છે. ફેસબુક પર મૂકેલી એક લાંબી પોસ્ટમાં એમણે કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં વધારે રક્તપાત ન થાય એટલા માટે જ પોતે દેશ છોડીને ચાલ્યા ગયા છે. ઘનીએ એમ પણ કહ્યું કે તાલfબાનો તલવાર અને બંદૂકના ડરથી જીતી ગયા છે. ઘનીએ એવી આશા વ્યક્ત કરી છે કે ઉગ્રવાદીઓ દેશના માન-સમ્માનનું રક્ષણ કરશે.

દરમિયાન, તાલિબાનના એક અધિકારીએ સમાચાર સંસ્થા એ.પી.ને જણાવ્યું છે કે અમારું સંગઠન ટૂંક સમયમાં જ દેશનું નામ બદલીને ‘ઈસ્લામિક એમિરેટ ઓફ અફઘાનિસ્તાન’ કરશે. અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી દળોએ 2001ની 11 સપ્ટેમ્બરે હુમલા કરીને તાલીબાન સરકારને સત્તા પરથી દૂર કરી ત્યારે દેશનું નામ આ જ હતું એવો તાલીબાની અધિકારીનો દાવો છે. નવા નામની જાહેરાત કાબુલમાં પ્રમુખપદના મહેલમાંથી જ કરવામાં આવશે.