પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયામાં આશરે 2,20,000 વધુ લોકોમાં તાવનાં લક્ષણો માલૂમ પડ્યાં છે, જે કોરોના સંક્રમણ હોવાની શક્યતા છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કોવિડ -19 ના સંક્રમણ ધીમું થયાનો દાવો કર્યો હતો. દેશની 2.6 કરોડની વસતિએ કોવિડ-19 વિરોધી રસીનો ડોઝ લીધો નથી.
દેશમાં કોરોના વાઇરસના આ ફેલાવાને કારણે વિશ્વની સૌથી ખરાબ આરોગ્ય પ્રણાલી ધરાવતા ગરીબ અને એકલતાવાળા દેશમાં ભયંકર પરિસ્થિતિ અંગે ચિંતા વધી છે. નિષ્ણાતો કહે છે કે ઉત્તર કોરિયા સંક્રમણના ફેલાવાના સાચા આકલનનો ઓછો અંદાજ આપી રહ્યું છે. શુક્રવાર સાંજે છ કલાક સુધીના 24 કલાકમાં ઉત્તર કોરિયાના લગભગ 2,19,030 લોકોમાં તાવનાં લક્ષણો જોવા મળ્યાં હતાં, એમ ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું. આ સતત પાંચમા દિવસે તાવના દર્દીઓમાં આશરે 2,00,000 કેસનો વધારો છે.
એપ્રિલના અંતથી ઝડપથી ફેલાતા અજાણ્યા તાવને કારણે 24 લાખથી વધુ લોકો બીમાર પડ્યા છે અને 66 લોકોનાં મોત થયાં છે, એમ ઉત્તર કોરિયાએ કહ્યું હતું. કિમે શહેરો વચ્ચે મુસાફરી પર પણ કડક પ્રતિબંધો લાદ્યા અને રાજધાની પ્યોંગયાંગમાં દવાની દુકાનોમાં દવાઓ પહોંચાડવામાં મદદ કરવા હજારો સૈનિકો તૈનાત કર્યા. રાજધાની પ્યોંગયાંગ આ સંક્રમણનું મુખ્ય કેન્દ્ર છે.
શનિવારે શાસક પક્ષ પોલિટ બ્યુરોની બેઠકમાં કિમે કહ્યું હતું કે દેશમાં સંક્રમણનો ફેલાવો નિયંત્રણમાં છે. તેમણે આર્થિક મુશ્કેલીઓ ઘટાડવા માટે રોગચાળાના નિયંત્રણો હળવા કરવાનો પણ સંકેત આપ્યો હતો.