ટોક્યોમાં જાપાની બાળકે મોદીને હિન્દીમાં આવકાર્યા

ટોક્યોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ક્વાડ’ શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાનના બે દિવસના પ્રવાસે ગયા છે. આજે સવારે ટોક્યોની એક હોટેલમાં વસાહતી ભારતીય તથા જાપાની નાગરિકોએ એમનું સ્વાગત કર્યું હતું. મોદીએ એમની સાથે વાતચીત કરી હતી. આમાં વિશેષતા એ છે કે મોદીએ કેટલાંક બાળકો સાથે પણ વાતચીત કરી હતી.

(તસવીર સૌજન્યઃ નરેન્દ્ર મોદી ટ્વિટર)

બાળકો સાથે વાતચીત કરતા મોદીનો એક વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. એક જાપાની છોકરો મોદી સાથે હિન્દીમાં બોલતો જોઈ શકાય છે. મોદીજી એનાથી ખૂબ પ્રભાવિત થયા હતા અને એને પૂછ્યું કે, ‘વાહ, તેં હિન્દી ક્યાંથી શીખ્યું? તું તો બહુ સરસ હિન્દી બોલી જાણે છે.’ મોદીજી સાથે વાતચીત કરીને બાળકો રોમાંચિત થયાં હતાં અને એમના ઓટોગ્રાફ મેળવ્યાં હતાં. બાદમાં એ બાળકે એક મુલાકાતમાં કહ્યું હતું કે પોતે પાંચમા ધોરણમાં ભણે છે અને એને હિન્દી બોલતાં ખાસ આવડતું નથી, પણ સમજી શકે છે… વડા પ્રધાન મોદીએ મારો સંદેશો વાંચ્યો હતો અને મને એમના ઓટોગ્રાફ આપ્યા હતા. એટલે મને બહુ જ ખુશી થઈ છે.

મોદી જાપાની વડા પ્રધાન ફુમિયો કિશીદાના આમંત્રણને માન આપીને ક્વાડ શિખર સંમેલનમાં હાજરી આપવા જાપાન ગયા છે. 24મીએ આ શિખર સંમેલનમાં અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન, ઓસ્ટ્રેલિયાના નવા વડા પ્રધાન એન્થની એલ્બેનીઝ પણ ભાગ લેશે.