ઝુરીકઃ સ્વિટ્ઝર્લેન્ડમાં હાથ ધરવામાં આવેલા એક જનમતમાં બહુમતી નાગરિકોએ બુરખા, હિજાબ, નકાબ સહિત કોઈ પણ વસ્ત્ર વડે ચહેરો ઢાંકવાની પ્રથા પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. આ વર્ષની 7મી માર્ચે દેશમાં આ મુદ્દે સત્તાવાર રીતે જનમત યોજાવાનો છે. એ પૂર્વે ટેમીડિયા નામની એક એજન્સીએ હાથ ધરેલા જનમતમાં 63 ટકા લોકોએ કહ્યું કે જાહેરમાં કોઈ પણ વ્યક્તિને એનો ચહેરો ઢાંકવાની પરવાનગી આપવી ન જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતસહિત દુનિયાભરમાં ઘણી મુસ્લિમ મહિલાઓ ધાર્મિક પ્રથા અનુસાર એમનો ચહેરો બુરખો કે હિજાબ વડે આખો કે અડધો ઢાંકે છે.
પરંતુ સ્વિટ્ઝર્લેન્ડનાં ન્યાય ખાતાનાં મહિલા પ્રધાન કેરીન કેલર-સટર બુરખા પ્રતિબંધની વિરુદ્ધમાં છે. એમણે કહ્યું છે કે દેશવ્યાપી પ્રતિબંધની જરૂર નથી, કારણ કે સ્વિટ્ઝર્લેન્ડમાં મહિલાઓ એમનો ચહેરો ઢાંકીને ફરતી હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. દેશમાં આવા બુરખા કે હિજાબ પહેરેલી જે સ્ત્રીઓ જોવા મળે છે તે મોટે ભાગે વિદેશી પર્યટકો હોય છે.