વાટાઘાટથી વિવાદ ઉકેલોઃ ભારત, ચીનને યૂએનની અપીલ

ન્યૂયોર્કઃ પડોશીઓ ભારત અને ચીન વચ્ચે સિક્કીમ રાજ્યની સરહદ પર લશ્કરી ઘર્ષણ થયાના અહેવાલો જાણ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મહામંત્રી એન્ટોનિયો ગુટેસે એવી આશા વ્યક્ત કરી છે કે બંને દેશ વાટાઘાટ દ્વારા તંગદિલી ઘટાડી શકે છે. ગુટેસના નિવેદનની જાણકારી એમનાં મહિલા પ્રવક્તા સ્ટીફેન ડુજેરીકે આપી છે.

ગયા અઠવાડિયે સિક્કીમમાં નાકુ લા વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયાના અહેવાલ છે. ભારતીય લશ્કરે 20 જાન્યુઆરીની તે ઘટનાને ‘નજીવા ઘર્ષણ’ તરીકે ઓળખાવી છે. બીજી બાજુ, ચીને સિક્કીમ સરહદે કોઈ લશ્કરી ઘર્ષણ થયાના અહેવાલોને રદિયો આપ્યો છે. બંને દેશ વચ્ચે કેન્દ્રશાસિત પ્રદેશ લદાખની સરહદ પર ગયા મે મહિનાથી લશ્કરી તંગદિલી ચાલે છે.