ક્વેટાઃ પાકિસ્તાનના બળવાખોરીને લીધે અશાંતિગ્રસ્ત રહેતા બલુચિસ્તાન પ્રાંતમાં આજે મોહમ્મદ પયગંબરના જન્મદિવસની ઉજવણી માટે યોજાયેલી એક ધાર્મિક સભામાં એક આત્મઘાતી વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 52 જણ માર્યા ગયા છે અને બીજા 50થી વધારે લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ માટે કોઈ બળવાખોર કે આતંકવાદી જૂથે જવાબદારી લીધી નથી.
નાયબ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ મુનિર એહમદના જણાવ્યા મુજબ હુમલાખોર બોમ્બરે નાયબ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટની જીપ નજીક વિસ્ફોટ કર્યો હતો. આ જીપ એક મસ્જિદની બહાર ઊભી હતી. મસ્જિદમાં લોકો પયગંબરના જન્મદિન ઉજવણી સરઘસમાં જોડાવા માટે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. એ જ વખતે ભયાનક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં પોતાનો હાથ હોવાનો તેહરીક-એ-તાલીબાન પાકિસ્તાન નામના સંગઠને ઈનકાર કર્યો છે. આ કેટલાક કટ્ટરવાદી સુન્ની ઈસ્લામી જૂથોનું સંગઠન છે.