ખાલિસ્તાનીઓએ ભારતીય ડિપ્લોમેટને ગુરુદ્વારામાં જતા અટકાવ્યા

નવી દિલ્હીઃ ભારત અને કેનેડાની વચ્ચે ચાલી રહેલા ટેન્શનની અસર હવે બ્રિટનમાં પણ દેખાવા લાગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં ભારતીય એમ્બેસેડર વિક્રમ દોરાઇસ્વામીને ખાલિસ્તાની સમર્થકોએ સ્કોટલેન્ડના એક ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. આ ઘટના હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ઊભા થયેલા વિવાદ પછી આવી છે. આ કથિત વિડિયો સામે આવ્યા પછી ભારતે આ મુદ્દો ઉઠાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય રાજદૂત વિક્રમ દોરાઈસ્વામી ગુરુદ્વારાના આમંત્રણ પર ત્યાં ગયા હતા, તેઓ ત્યાં પહોંચ્યા કે તરત જ ત્યાં પહેલાથી હાજર ખાલિસ્તાની સમર્થકોએ તેમને અટકાવ્યા. ખાલિસ્તાનીઓની આ કાર્યવાહી બાદ ભારતીય રાજદૂતના સુરક્ષા કર્મચારીઓએ તેમની કારને ઘેરી લીધી હતી અને સુરક્ષાની સ્થિતિને જોતાં તેમનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો.

તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ભારતીય રાજદૂત પાસે ગયા અને તેમને કહ્યું હતું કે તેઓ અહીં પ્રવેશી નહીં શકે. ત્યાર બાદ તેઓ ચાલ્યા ગયા. આ ખાલિસ્તાની જૂથે કહ્યું હતું કે અમારી તેમની સાથે હળવી બોલાચાલી થઈ હતી. અમને નથી લાગતું કે ગુરુદ્વારા કમિટી જે કંઈ થયું તેનાથી બહુ ખુશ છે. પરંતુ બ્રિટનના કોઈ પણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી.

આ વીડિયોમાં એક ખાલિસ્તાની ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીને પણ ધમકી આપી હતી કે ભારતીય અધિકારીઓને ગુરુદ્વારામાં પ્રવેશ નહીં આપવાનો. જોકે આ મામલો એમ્સેડરની સુરક્ષાથી જોડાયેલો છે, જેથી આ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.