કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે તેમની સરકાર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ માટે ભારત-જાપાનના પ્રયાસને ટેકો આપશે. ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્જો આબેના રાજકીય સંસ્કારમાં સામેલ થવા માટે રાષ્ટ્રપ્રમુખ હાલ જાપાનમાં છે.
જાપાનના વિદેશપ્રધાન યોશિમાસા હયાશીએ મંગળવારે એક મુલાકાતમાં વિક્રમસિંઘેને આંતરરાષ્ટ્રીય સ્તરે જાપાન દ્વારા અપાયેલા ટેકા માટે પ્રશંસા કરી હતી, એમ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું.આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાષટ્રપ્રમુખ વિક્રમસિંઘે કહ્યું છે કે તેમની સરકાર સંયુક્ત રાષ્ટ્ર (UN) સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનવા માટે ચલાવવામાં આવેલી બંને દેશોની ઝુંબેશને શ્રીલંકા ટેકો આપે છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા માટે ચલાવવામાં આવી રહેલા પ્રયાસોને લઈને ભારત ઘણું સક્રિય છે. ભારતનું કહેવું છે કે એ સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બનવા માટે હકદાર છે અને સુરક્ષા પરિષદ હાલ 21મી સદીની ભૂરાજકીય વાસ્તવિકતાને નથી દર્શાવતી.
હાલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ કાયમી સભ્ય છે અને 10 હંગામી સભ્ય દેશો છે. અસ્થાયી દેશોની પસંદગી બે વર્ષના સમયગાળા માટે UN દ્વારા કરવામાં આવે છે. પાંચ કાયમી સભ્યો- રશિયા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને અમેરિકા સામેલ છે. આ પાંચ દેશોની પાસે વીટોનો અધિકાર હોય છે, જેથી એ કોઈ પણ પ્રસ્તાવને રોકી શકે છે. ભારત હાલ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં હંગામી સભ્યપદ ધરાવે છે અને એની મુદત ડિસેમ્બરમાં પૂરી થઈ રહી છે.