નવી દિલ્હી: ઈરાનના રિવૉલ્યુશન ગાર્ડની એલિટ શાખા ‘કુદ્સ ફોર્સ’ના વડા જનરલ કાસિમ સુલેમાની બગદાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર અમેરિકાએ કરેલા એક હવાઈ હુમલામાં માર્યા ગયા છે. જેને પરિણામે અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલીમાં થયેલા વધારાથી ભારતીય અર્થતંત્રમાં રિકવરીને ફટકો પડવાની સંભાવના ઊભી થઈ છે. કાસિમ સુલેમાનીના મોત પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે, તણાવમાં વૃદ્ધિથી સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છું. આ સાથે જ ભારતે એ વાત પર પણ ભાર મુક્યો કે, તેના માટે આ ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારત સતત સંયમની તરફેણ કરતું આવ્યું છે એથી એ મહત્વપૂર્ણ રહેશે કે, સ્થિતિ વધુ ખરાબ ન થાય.
આ અગાઉ પેન્ટાગને જાહેરાત કરી હતી કે, અમેરિકન ડ્રોન હુમલામાં ઈરાનની રિવોલ્પુશનરી ગાર્ડ્સના શક્તિશાળી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું છે. પેન્ટાગને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી સુલેમાનીને હવાઈ હુમલામાં મારી નાખવામાં આવ્યાં છે.
અમેરિકાના આ પગલાથી ખાડી ક્ષેત્રમાં નાટકીય રૂપથી તણાવ વધી ગયો છે. જનરલ સુલેમાની ઈરાનના અલ-કુદ્સ ફોર્સના પ્રમુખ અને તેની ક્ષેત્રીય સુરક્ષા હથિયારોના રચયિતા હતા. આ હુમલામાં ઈરાકના શક્તિશાળી હશદ અલ-શાબી અર્ધસેનિક દળાના ઉપપ્રમુખ પણ માર્યા ગયા. અમેરિકાએ કોર-કુદ્સ ફોર્સના સંગઠનને પ્રતિબંધિત વિદેશી આતંકવાદી સંગઠનની યાદીમાં રાખ્યું છે.
સુલેમાનીના મોત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાના ધ્વજની તસવીર ટ્વીટ કરી હતી. અત્યારે ટ્રમ્પ ફ્લોરિડામાં વેકેશન માણી રહ્યા છે. સુલેમાનીના મોત પર ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ પશ્ચિમ એશિયામાં ઈરાનના સહયોગી દેશોનો હવાલો આપતા કહ્યું કે, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે, ઈરાન અને આ ક્ષેત્રના અન્ય ત્રણ દેશો ‘અપરાધી અમેરિકા’ પાસેથી આ ગંભીર અપરાધનો બદલો લેશે.
ટ્રમ્પના આ નિર્ણયનું સમર્થન કરતા ભારતીય મૂળની અમેરિકન નાગરિક નિક્કી હેલીએ ટ્વીટ કર્યું કે, કાસિમ સુલેમાની એક કટ્ટર આતંકવાદી હતો, જેના હાથ અમેરિકાના નાગરિકોના લોહીથી રંગાયેલા હતા. તેમના મોત પર એ તમામને પ્રશંસા કરવી જોઈએ જે શાંતિ અને ન્યાય ઈચ્છે છે. આવો મજબૂત અને યોગ્ય નિર્ણય લેવા બદલ રાષ્ટ્રપતિ પર ગર્વ છે.