અમેરિકાને નેસ્તનાબૂદ કરવાની ધમકી આપનાર કાસિમ શિયાઓનો જેમ્સ બોન્ડ હતો

વોશિગ્ટન: ઈરાકમાં ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોત પછી અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. લાંબા સમયથી હરીફ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. ઈરાનમાં સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામેનેઈ પછી કાસિમ બીજા નંબરનો સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતો હતો. આવો જાણીએ ઈરાન માટે કેટલો મહત્નો હતો કાસિમ સુલેમાની અને કેવી રીતે બન્યો તે આટલો શક્તિશાળી….

સીરિયા, યમન, લેબનાન અને ઈરાકમાં હતો દબદબો

કાસિમ સુલેમાની ઈરાનની સેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડની વિદેશી વિંગ કદ્સ ફોર્સનો જનરલ હતો. આ યુનિટે 1998માં તેમના કામની શરુઆત કરી હતી, જેની દખલગીરી સીરિયા, લેબનાન, ઈરાક અને યમન સુધી હતી. આ ચારેય દેશોમાં કાસિમ સુલેમાનીની મજબૂત પકડ હતી.

1957માં પૂર્વ ઈરાનના એક ગરીબ પરિવારમાં જન્મેલો કાસિમ ઘણી નાની વયે જ સેનામાં જોડાય ગયો હતો. 1980થી ઈરાન-ઈરાક યુદ્ધમાં સરહદની સુરક્ષાને લઈને ઘણો ચર્ચિત રહ્યો. આ યુદ્ધમાં અમેરિકાએ ઈરાકનો સાથ આપ્યો હતો.

શિયાઓના જેમ્સ બોન્ડ કહેવાતા હતા સુલેમાની

મધ્ય પૂર્વના શિયાઓની વચ્ચે સુલેમાની ઘણો ચર્ચિત હતો. ઈરાનની બહાર મધ્યપૂર્વના દેશોમાં ઝૂંબેશ ચલાવવામાં તેણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. એક પૂર્વ સીઆઈએ એનાલિસ્ટે સુલેમાનીને મધ્યપૂર્વના શિયાઓ વચ્ચે જેમ્સ બોન્ડ અને લેડી ગાગા જેવો પોપ્યુલર ગણવામાં આવ્યો હતો. 2019માં જ સુલેમાનીને ઈરાનનો સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઝુલ્ફિકાર આપવામાં આવ્યો હતો.

અમેરિકા તરફથી અનેક વખત પ્રતિબંધનો સામનો કરનારા કાસિમ સુલેમાનીના મોતના અગાઉ પણ અનેક વખત સમાચારો વહેતા થયા હતા. 2006માં ઈરાનમાં એક પ્લેન ક્રેશ, 2012માં દમિશ્કમાં થયેલા બોમ્બ ધડાકા અને એલેપ્પોમાં 2015માં થયેલા અટેકમાં પણ તેમના મોતની અફવાઓ ફેલાઈ હતી પણ આ વખતે એવું થયું નહીં.

ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામેનેઈ કાસિમ સલમાનીને જીવંત શહીદ કહેતા હતા. તેની પાછળ કારણ એ હતું કે, તે જાણતા હતા કે, કાસિમ સુલેમાની દુશ્મનોના ટાર્ગેટ પર છે. સુલેમાનીના મોત પછી ખામેનેઈ એ કહ્યું કે, ભલે તે ચાલ્યા ગયા, પણ તેમનું મિશન અને રસ્તો ખત્મ નહીં થાય.

2018માં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ટ્વીટના જવાબમાં કાસિમે લખ્યું હતું કે, અમે તમારા એટલા નજીક છીએ જેટલું તમે વિચારી પણ નહીં શકો. આવો અમે તૈયાર છીએ. જો તમે યુદ્ધ શરુ કરશો તો ખતમ અમે કરીશું. તમે જાણો છો કે, આ યુદ્ધ તમારી શક્તિને સંપૂર્ણ રીતે ખતમ કરી દેશે.

 

અમેરિકાએ 1980માં ઈરાન અને ઈરાક વચ્ચે થયેલા યુદ્ધમાં ઈરાકનો સાથ આપ્યો હતો. ત્યાર પછીથી જ બંને દેશો વચ્ચે સંબંધો ઘણા વણસી ગયા. 1984માં અમેરિકાએ ઈરાનને આતંકવાદને પ્રોત્સાહન આપનારો દેશ ગણાવ્યો અને અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા. ત્યારથી લઈને આજ સુધી ઈરાન અને અમેરિકાના સંબંધો સામાન્ય ન રહ્યા.