ટ્રમ્પની ઈરાનને ચેતવણીઃ અમારી પર હુમલો કર્યો તો ઈરાનના 52 સ્થળો પર હુમલા કરીશું

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચેતવણી ઉચ્ચારી છે કે જો ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાન અમેરિકાના સૈનિકો પર કે સંપત્તિ પર હુમલા કરશે તો અમેરિકા ઈરાનમાં 52 સ્થળોને ટાર્ગેટ બનાવીને એની પર હુમલા કરશે અને ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ખતરનાક ફટકો મારશે.

અમેરિકા, ઈરાન વચ્ચે તંગદિલી વધી; યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી, જો અમારી પર હુમલો કર્યો તો અમે 52 સ્થળો પર હુમલા કરીશું.

ગયા શુક્રવારે ઈરાકના પાટનગર બગદાદમાં ઈરાનના ટોચના લશ્કરી અધિકારીનું મોત નિપજાવનાર અમેરિકી દળોના હવાઈ હુમલાનો બચાવ કરતા ટ્રમ્પે ટ્વિટ્સ કર્યા છે અને કહ્યું છે કે 52 આંકડો ઈરાને ઘણા વર્ષો પહેલાં બાનમાં પકડેલા 52 અમેરિકન નાગરિકોના આંકડાને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાની શાસકોએ 1979ના નવેંબરમાં પાટનગર તેહરાનમાં યુએસ દૂતાવાસ પર કબજો જમાવ્યા બાદ 52 અમેરિકન નાગરિકોને બાનમાં પકડ્યા હતા. એ અમેરિકનોને ઈરાને 444 દિવસો સુધી બાનમાં પકડ્યા હતા.

ટ્રમ્પે ટ્વીટમાં કહ્યું છે કે 52માંના અમુક સ્થળો ઈરાનમાં ઘણા જ ઉચ્ચ સ્તરીય અને અને ઈરાની સંસ્કૃતિ માટે મહત્ત્વના છે. અમેરિકા એ લક્ષ્યાંકો પર ખૂબ જ ઝડપથી ત્રાટકશે અને એ ફટકો ખૂબ જ ખતરનાક હશે. અમેરિકા હવે વધારે ધમકીઓ નહીં આપે.

ટ્રમ્પે અમેરિકા ઈરાનમાં કયા સ્થળો પર હુમલા કરશે એ જણાવ્યું નથી.

અમેરિકી દળોએ ગયા શુક્રવારે બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન વડે કરેલા હવાઈ હુમલામાં ઈરાકના ઉગ્રવાદીઓને સમર્થન આપતા ઈરાનના લશ્કરી કમાન્ડર કાસીમ સુલેમાની તથા ઈરાકના ઉગ્રવાદી નેતા અબુ માહદી અલ-મુહાન્ડીસ માર્યા ગયા હતા. એ બંનેનાં મૃત્યુ બદલ શોક વ્યક્ત કરવા હજારો ઈરાકી લોકોએ શનિવારે કૂચ કાઢી હતી.

છેલ્લા અમુક દિવસોની ઘટનાઓ અને ઈરાન પર ત્રાટકવાની ટ્રમ્પની ધમકીને કારણે મધ્યપૂર્વમાં તંગદિલી ખૂબ વધી ગઈ છે.

ઈરાને સુલેમાનીની હત્યાનો બદલો લેવાની જાહેરાત કરી

દરમિયાન, ઈરાનના કોમ શહેરની મસ્જિદ-એ-જમકરાનની ઉપર લાલ ઝંડો ફરકાવી દેવામાં આવ્યો છે જે યુદ્ધનું પ્રતિક ગણવામાં આવે છે.

ઈરાની લશ્કરના બ્રિગેડિયર જનરલ અબૂલ ફૈઝલ નામના વરિષ્ઠ કમાન્ડરે એલાન કર્યું છે કે જનરલ કાસીમ સુલેમાનીની મોતનો ઈરાન અમેરિકા પર જરૂર બદલો લેશે. અમેરિકા પર બદલો લેવા માટે યોગ્ય સ્થળ અને યોગ્ય સમયની રાહ જોવામાં આવશે.

અબૂલ ફૈઝલે એમ પણ કહ્યું છે કે અમે અમેરિકાના આ કૃત્યનો જવાબ આપવા માટે શાંતિથી અમારો પ્લાન બનાવીશું અને જોરદાર ફટકો મારીશું.

ઉલ્લેખનીય છે કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ પણ સુલેમાનીની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.