નવી દિલ્હીઃ ઇઝરાયેલની એર સ્ટ્રાઇકમાં હિજબુલ્લા ચીફ હસન નસરલ્લાનો જમાઈ હસન જાફર માર્યો ગયો હતો. ઇઝરાયેલી સેનાએ સિરિયાના દમિશ્ક શહેરની નજીક એક હવાઈ હુમલો કર્યો હતો, જેમાં હસન જાફર કાસિરનું મોત થયું છે. એના પર અમેરિકાએ 2018માં ગ્લોબલ આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. એના માથે 10 મિલિયન ડોલર (રૂ. 83 કરોડ)નું ઇનામ હતું.
આ પહેલાં ઇઝરાયેલે હસન જાફર કાસિરના ભાઈ મોહમ્મદ જાફર કાસિરને પણ બેરુતમાં હવાઈ હુમલામાં મારી કાઢ્યો હતો. હવે બીજા મોતથી હિજબુલ્લા કેમ્પમાં હંગામો મચી ગયો છે. આ બંને ભાઈઓ કુખ્યાત આતંકવાદી હતા.
ઇઝરાયેલે બેરુતમાં એક મોટી એર સ્ટ્રાઇક કરીને બોમ્બમારો કર્યો હતો, જેમાં કમસે કમ છ લોકોનાં મોત થયાં હતાં. ઇઝરાયેલે કહ્યું હતું કે બેરુત પર સટિક એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. જેને પગલે બેરુતની અનેક ઇમારતોને ભારે નુકસાન થયું હતું.
લેબનોનના આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે કમસે કમ છ લોકો માર્યા ગયા હતા અને સાત જણ ઘાયલ થયા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યાનુસાર ત્રણ મિસાઇલોએ દહિયાહના દક્ષિણી ઉપનગરને પણ નિશાન બનાવ્યું હતું, જ્યાં ગયા સપ્તાહે હિજબુલ્લા નેતા હસન નસરલ્લાની હત્યા થઈ હતી. ત્યાં જોરદાર વિસ્ફોટોનો અવાજ થયો હતો. દક્ષિણી ઉપનગરોમાં એક ડઝનથી વધુ ઇઝરાયેલી હુમલા થયા હતા.
દક્ષિણી લેબનનોથી ઇઝરાયેલ તરફ પણ કમસે કમ 240 રોકેટ મારવામાં આવ્યા હતા. એને કારણે ઇઝરાયેલના ચાર વિસ્તારોમાં વોર્નિંગ સાયરન વાગવા માંડી હતી.