ઈસ્લામાબાદ- પાકિસ્તાન હાલમાં આર્થિક કટોકટીના સમય માંથી પસાર થઈ રહ્યું છે. તેનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટી રહ્યો છે. પાકિસ્તાનની નવી સરકાર સામે સૌથી મોટો પડકાર તેના અર્થતંત્રને સંભાળવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે, તેની કથળતી અર્થવ્યવસ્થાને સુધારવા માટે પાકિસ્તાનને IMFમાંથી લોન લેવાની ફરજ પડશે.પાકિસ્તાનની કથળતી અર્થવ્યવસ્થાને લઈને પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારે સ્પષ્ટતા કરી છે. એક મુલાકાત દરમિયાન પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકારે જણાવ્યું કે, પાકિસ્તાન IMF પાસે મદદ માટે હાથ નહીં લંબાવે. વધુમાં તેણે જણાવ્યું કે, અમેરિકન ડોલરની સરખામણીમાં પાકિસ્તાનનો રુપિયા ઘટી રહ્યો છે, તેનું અવમુલ્યન રોકવા પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે કરાર કર્યો છે.
જે અંતર્ગત સાઉદી અરેબિયા પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર વધારવા મોટા પ્રમાણાં અમેરિકન ડોલરનું રોકાણ કરશે. જેથી પાકિસ્તાની રુપિયાને મદદ મળશે. અને ડોલરની સરખામણીમાં તેનું અવમુલ્યન ઘટશે. જોકે તેમાં એક સમસ્યા એ પણ છે કે, સાઉદી અરેબિયા દ્વારા જમા કરવામાં આવેલા ડોલરનો ઉપયોગ પાકિસ્તાન કરી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને તેની કથળી રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવા તાત્કાલિક 9 અબજ ડોલર જેટલી રકમની જરુર છે. વર્ષ 1980થી પાકિસ્તાન IMF પાસેથી 14 વખત લોન લઈ ચુક્યું છે. જેથી હવે પાકિસ્તાન એવી શક્યતા ચકાસી રહ્યું છે તેને IMF પાસેથી લોન ન લેવી પડે. હવે સાઉદી અરેબિયા પાકિસ્તાનને કેટલી આર્થિક સહાય કરે છે અને કઈ શરતોને આધિન કરે છે તેના ઉપર પાકિસ્તાનને નિર્ભર રહેવું પડશે.