સાઉદી અરબમાં આતંકવાદી પ્રવૃતિ બદલ 37 ને મૃત્યુદંડની સજા

રિયાદ- સાઉદી અરબ સરકારે આતંકવાદી પ્રવૃત્તિ બદલ 37 લોકોને મૃત્યુદંડની સજા આપી છે. સાઉદીના આંતરીક સુરક્ષા મંત્રાલયે જણાવ્યું હતુ કે આ 37 વ્યક્તિઓ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતાં. તેઓ ભવિષ્યમાં હુમલાનું આયોજન કરી રહ્યાં હતાં અને એક સિક્યુરિટી ગાર્ડની હત્યા પણ કરી હતી.

સાઉદી અરબ મૃત્યુદંડની સજા આપવામાં બહુ ઉદાર દેશ છે. ત્યાં રાજાશાહી હોવાથી તત્કાલિક ન્યાય થાય છે અને સજાનો અમલ પણ તુરંત કરવામાં આવે છે. સાઉદી સરકારે સ્પષ્ટતા કરી હતી કે રિયાધ ખાતેની આંતકવાદ સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને તેમાં આ તમામ 37 વ્યક્તિઓ કસૂરવાર જણાયાં હતાં.  આ 37 વ્યક્તિઓને રિયાધ, મક્કા, મદિના, અલ શરિયાક, અલ કાસિમ અને અસર એમ છ શહેરમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.

આ તમામ નાગરિકો સાઉદીના જ હતાં અને ફાંસીનો સામુહિક કાર્યક્રમ યોજાયો હતો. સાઉદીમાં મૃત્યુદંડ આપવાની પણ અલગ અલગ પ્રથા છે. ત્યાં દોરડે લટકાવીને સજા આપવામાં નથી આવતી, પરંતુ મોટે ભાગે તલવારના એક ઝાટકે ધડથી મસ્તક જુદું કરી દેવાય છે.

સાઉદી સરકારે આ ફાંસી પછી સ્પષ્ટતા કરી હતી કે દેશની શાંતિ જોખમાય એવી કોઈ પણ પ્રવૃત્તિ અમે ચલાવી લેવા માંગતા નથી. ૨૦૧૬માં સાઉદી સરકારે રાજવી પરિવારના કુંવરને પણ ગુનાખોરી બદલ ફાંસી આપી દીધી હતી. સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે આ વર્ષમાં અત્યાર સુધીમાં 100થી વધારે વ્યક્તિને મૃત્યુદંડની સજા આપી તેનો અમલ કરવામાં આવ્યો છે.