ઈરાનમાં પોતાના નિવેદનને લઈને વિપક્ષના નિશાના પર આવ્યા ઈમરાન ખાન

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તહેરાનમાં આપેલા નિવેદનને લઈને વિપક્ષના નિશાના પર આવી ગયા. હકીકતમાં તેમણે તહેરાનમાં સ્વીકાર કર્યો હતો કે ભૂતકાળમાં આતંકવાદીઓએ ઈરાનમાં હુમલા કરવા માટે તેમના દેશની જમીનનો ઉપયોગ કર્યો હતો. તહેરાનની બે દિવસીય યાત્રાના અંતિમ દિવસે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.

પ્રેસ કોન્ફરન્સમાં ખાને કહ્યું હતું કે, હું જાણું છું કે પાકિસ્તાન સક્રિય સમૂહો દ્વારા ઈરાન આતંકવાદથી પીડિત રહ્યું છે. આપણે એકબીજા પર વિશ્વાસ કરવાની જરુર છે કે બંન્ને દેશો પોતાની જમીન પર કોઈ આતંકવાદી ગતિવિધિની મંજૂરી નહી આપે. અમને આશા છે કે આનાથી આપણા જીવનમાં વિશ્વાસ પેદા થશે. નેશનલ એસેમ્બલીમાં ખાનની ઈરાન યાત્રા પર ચર્ચા દરમિયાન પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝ નેતા ખુર્રમ દસ્તગિરે કહ્યું કે વડાપ્રધાનનું નિવેદન રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ છે કારણ કે પહેલીવાર તેમણે ઈરાનમાં આતંકવાદ માટે દેશનની જમીનનો ઉપયોગ કરવાની વાત સ્વીકારી છે.

પીએમએલ-એન સાંસદે કહ્યું કે, કોઈપણ વડાપ્રધાને વિદેશી જમીન પર આ પ્રકારનું નિવેદન નથી આપ્યું. તેમણે કહ્યું કે એક દિવસ પહેલા વિદેશ પ્રધાને કહ્યું હતું કે બલૂચિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ઈરાનથી આતંકવાદીઓ ઘુસ્યા હતા. તેમણે કહ્યું કે આ પ્રકારના નિવેદનોથી પાકિસ્તાનનો આંતરરાષ્ટ્રીય સ્તર પર પર્દાફાશ થયો છે.

તેમણે ખાનના આ નિવેદનને લઈને પણ તેમના પર નિશાન સાધ્યું, કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરીથી સરકાર બનવાથી કાશ્મીર મુદ્દાના સમાધાનની દિશામાં મદદ મળી શકે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન હીના રબ્બાનીએ કહ્યું કે દેશને સતત હાસ્યનું પાત્ર બનતા જોઈને અમે ચિંતિત છીએ.