બ્રિટનને આર્થિક કટોકટીમાંથી પાર ઉતારીશઃ રિશી સુનક

લંડનઃ 72 વર્ષીય કિંગ ચાર્લ્સ-ત્રીજા તરફથી આજે આમંત્રણ મળ્યા બાદ ભારતીય મૂળના રિશી સુનકે દિવાળી તહેવારમાં જ બ્રિટનના વડા પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. તેઓ બ્રિટનના 57મા અને 210 વર્ષમાં સૌથી યુવાન વયના વડા પ્રધાન બન્યા છે. સુનક 42 વર્ષના છે અને ધર્મનિષ્ઠ હિન્દુ છે.

સુનકના પુરોગામી લિઝ ટ્રસ આજે સવારે રાજાના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહામ પેલેસ ખાતે ગયાં હતાં અને કિંગ ચાર્લ્સને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું હતું. તે પછી રિશી સુનકને મળવાનું અને વડા પ્રધાનનો હોદ્દો સંભાળી લેવાનું ચાર્લ્સ તરફથી સુનાકને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સુનકે બાદમાં વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી દેશને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, ‘રાજા ચાર્લ્સ-3ને મળ્યા બાદ મેં વડા પ્રધાન બનવાના એમના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. આપણો દેશ હાલ ઘેરી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. એને એમાંથી હું પાર ઉતારીશ. મારી કન્ઝર્વેટિવ પાર્ટીએ મને એના વડા તરીકે, તમારા વડા પ્રધાન તરીકે અને દેશ સમક્ષની સમસ્યાઓ દૂર કરવા માટે મને નિયુક્ત કર્યો છે. એ કામ તાત્કાલિક અસરથી શરૂ થઈ ગયું છે. કોવિડ મહામારીની અસર હજી પણ યથાવત્ છે. પુતિને યૂક્રેન સામે આદરેલા યુદ્ધે એનર્જી માર્કેટ્સને અને દુનિયાભરમાં એનર્જીની સપ્લાય વ્યવસ્થાને અસ્થિર કરી દીધી છે. હું આર્થિક સ્થિરતા લાવીશ અને રાજકારણમાં લોકોએ ગુમાવી દીધેલા વિશ્વાસને પાછો લાવી દઈશ. મારા પુરોગામી જે ગડબડ છોડી ગયા છે એને દૂર કરવાનો હું પ્રયાસ કરીશ.’

એ વખતે એમની સાથે એમનાં પત્ની અક્ષતા મૂર્તિ અને બે પુત્રી – ક્રિષ્ના અને અનુષ્કા પણ ઉપસ્થિત હતી.