કેન્સરની શંકાઃ શેમ્પૂ-સનસ્ક્રીન્સને વેચાણમાંથી પાછા ખેંચી લેવાયા

વોશિંગ્ટનઃ બ્રિટિશ મલ્ટીનેશનલ કંપની યુનિલીવરે તેના ડવ (Dove) સહિત એરોસોલ ડ્રાય શેમ્પૂની લોકપ્રિય બ્રાન્ડ્સ કેન્સરની બીમારી કરી શકતા તત્ત્વ બેન્ઝીનથી દૂષિત હોવાનું માલુમ પડ્યા બાદ આ પ્રોડક્ટ્સને બજારમાંથી પાછી મગાવી લીધી છે. અમેરિકામાં ખાદ્યપદાર્થો તથા ઔષધિઓની ગુણવત્તા પર દેખરેખ રાખતી નિયામક સંસ્થા ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલી એક નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે બજારમાંથી દૂષિત પ્રોડક્ટ્સ પાછી ખેંચવાનો આદેશ આ બ્રાન્ડ્સને પણ લાગુ પડે છે – Nexxus, Suave, Tresemmé, Tigi. આ બ્રાન્ડ્સ Rockaholic અને Bed Head નામક ડ્રાય શેમ્પૂ બનાવે છે.

એફડીએ સંસ્થાએ ડ્રાય શેમ્પૂ જેવા કોસ્મેટિક્સ ઉત્પાદનોમાં બેન્ઝીનના ઉપયોગમાં કેટલી મર્યાદા હોવી જોઈએ તે નિશ્ચિત કર્યું નથી, પરંતુ તેણે એમ કહ્યું છે કે કોઈ પણ ચીજવસ્તુમાં કોઈ પણ પ્રકારનું ઝેરી કે હાનિકારક તત્ત્વ હોવું ન જોઈએ.

યુનિલીવર કંપનીએ 2021ના ઓક્ટોબર પહેલાં તેણે બનાવેલી ચીજવસ્તુઓને પાછી મગાવવાનું શરૂ કર્યું છે. આ સાથે જ પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં એરોસોલ (રંગ્રદ્રાવણ)ની સલામતી વિશે ફરીથી પ્રશ્નો ખડા થયા છે. છેલ્લા 15 મહિનામાં અમેરિકામાં તમામ સ્ટોર્સમાંથી એરોસોલના ઉપયોગવાળા સનસ્ક્રીન્સને પાછા લઈ લેવામાં આવ્યા છે. આમાં જોન્સન એન્ડ જોન્સનના Neutrogena, એજવેલ પર્સનલ કેર કંપનીના Banana Boat, બીયર્સડોર્ફ એ.જી.ના Coppertone, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કંપનીના સીક્રેટ અને ઓલ્ડ સ્પાઈસ જેવા સ્પ્રે-ઓન ડિયોડોરન્ટ, યૂનિલીવરના Suave જેવા પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

લોરિયલ કંપનીના ઉત્પાદનો સામે એક મહિલાએ કોર્ટમાં કેસ કર્યો હતો. એને પગલે પર્સનલ કેરના અનેક ઉત્પાદનોમાં માનવ શરીર માટે હાનિકારક અને જોખમી તત્ત્વો હોવા વિશેનો ઘટસ્ફોટ થયો હતો. યુનિલીવરની ભારતીય પેટાકંપની હિન્દુસ્તાન યુનિલીવર ભારતમાં અનેક બ્રાન્ડના શેમ્પૂ વેચે છે, જેમાં ઘાતક રસાયણ હોવાની શંકા છે.