વ્હાઇટ હાઉસમાં બાઇડને ભારતીય અમેરિકનોની સાથે દિવાળી ઊજવી

ન્યુ યોર્કઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન, પ્રથમ મહિલા જિલ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે વ્હાઇટ હાઉસમાં દિવાળીનો તહેવાર ઊજવ્યો હતો. આ સમારંભ દરમ્યાન ત્રણે જણે ભારતીય અમેરિકનોની સાથે મુલાકાત કરી હતી. હાલના વહીવટી તંત્રે વ્હાઇટ હાઉસમાં દિવાળી પાર્ટી માટે દેશમાંથી 200થી વધુ ભારતીય અમેરિકનોને આમંત્રિત કર્યા હતા.

દિવાળી આપણને યાદ અપાવે છે કે પ્રત્યેકની પાસે વિશ્વમાં પ્રકાશ લાવવાની શક્તિ છે. ભારત હાલ આઝાદીનું 75મું વર્ષ ઊજવી રહ્યું છે. અમેરિકામાં હાલ પહેલાંથી વધુ એશિયન-અમેરિકી છે. અમે દિવાળીને અમેરિકી સંસ્કૃતિનો ભાગ બનાવવા માટે આભાર માનીએ છીએ. અમે અસોલ્ટ હથિયારો પર પ્રતિબંધ લગાવીશું, એમ રાષ્ટ્રપ્રમુખ બાઇડને કહ્યું હતું.

આ સમારંભ પહેલાં ઉપ રાષ્ટ્રપ્રમુખે કહ્યું હતું કે આજે રાત્રે અમે વિશ્વમાં એક અબજથી વધુ લોકો સાથે મળીને દીવા પ્રગટાવીશું અને બૂરાઈ પર અચ્છાઈ, અજ્ઞાન પર જ્ઞાન અને અંધેરા પર પ્રકાશની લડાઈનો ઉત્સવ ઊજવીશું.

તમારામાંથી અનેક લોકો દર બીજા વર્ષે, દિવાળી ઊજવવા ભારત જતા હશો, પણ મારી પાસે અડધી રાતે જાગવાની આવી સુખદ યાદો છે. મારી માતા 19 વર્ષની ઉમંરે શિક્ષણ લેવા અમેરિકા આવી હતી. બ્રેસ્ટ કેન્સર સંશોધક બનવું તેમનું લક્ષ્ય હતું, એમ તેમણે કહ્યું હતું.

અમેરિકાનાં પ્રથમ મહિલા ડો. જિલ બાઇડને જણાવ્યું હતું કે જેમ-જેમ અમેરિકા આગળ વધી રહ્યું છે. ભારતીય અમેરિકી સાહસ, દયા, દ્રઢતા અને પ્રેમની સાથે માર્ગને પ્રકાશિત કરવામાં મદદ કરી રહ્યા છે. સામાજિક અને આર્થિક તાણાવાણા વધારવામાં ભારતીય અમેરિકીઓની ભૂમિકાની તેમણે પ્રશંસા કરી હતી.