ભારતીય-મૂળના રિશી સુનક બન્યા બ્રિટનના નવા PM

લંડનઃ બ્રિટનની શાસક કન્ઝર્વેટિવ પાર્ટીએ દેશના નવા વડા પ્રધાન તરીકે ભારતીય મૂળના રિશી સુનકને પસંદ કર્યા છે. ભૂતપૂર્વ નાણાં પ્રધાન સુનક છેલ્લા સાત મહિનામાં બ્રિટનના ત્રીજા વડા પ્રધાન બન્યા છે. અગાઉના બે હતાઃ બોરીસ જોન્સન અને લિઝ ટ્રસ. 42 વર્ષીય સુનક વડા પ્રધાન પદ માટે મજબૂત દાવેદાર હતા. ટ્રસનાં રાજીનામા બાદ સુનક એકમાત્ર ઉમેદવાર હતા. એમને રૂઢિવાદી પાર્ટીના 100થી વધારે સંસદસભ્યોનું સમર્થન છે. રિશી સુનક બ્રિટનના પ્રથમ એશિયન મૂળના વડા પ્રધાન બન્યા છે.

1980ની 12 મેએ સાઉથમ્પ્ટનમાં જન્મેલા રિશી સુનકનાં પિતા યશવીર સુનકનો જન્મ કેન્યામાં થયો હતો. એમના માતા ઉષાનો જન્મ ટાન્ગાનિકા (ટાન્ઝાનિયા)માં થયો હતો. રિશીનાં દાદા-દાદી પંજાબના વતની હતાં, પરંતુ 60ના દાયકામાં તેઓ આફ્રિકા અને ત્યાંથી બ્રિટન જતાં રહ્યાં હતાં.

રિશી સુનક 2015માં પહેલી વાર સંસદસભ્ય બન્યા હતા. રિશીએ ઈન્ફોસીસ કંપનીના સ્થાપકે એન.આર. નારાયણ મૂર્તિ અને લેખિકા સુધા મૂર્તિનાં પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યાં છે. દંપતીને બે પુત્રી છે.