પાકિસ્તાની મીડિયાએ આતંકીઓને ગણાવ્યાં સિપાહી, ઈરાને પાક.ને આપી ચેતવણી

નવી દિલ્હીઃ જમ્મુ-ક્શ્મીરના પુલવામામાં આતંકી હુમલાની જ્યાં આખી દુનિયામાં ટીકા થઈ રહી છે ત્યાં પાકિસ્તાની મીડિયા હુમલામાં શામેલ આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના બચાવમાં ઉતરી આવ્યું છે. પાકિસ્તાનની મીડિયાએ હુમલામાં શામિલ આતંકીઓને “આઝાદીના સિપાહી” ગણાવ્યા છે. એએનઆઈના રિપોર્ટ અનુસાર પાકિસ્તાની મીડિયાએ ફિદાયીન હુમલાના દોષિતોનો બચાવ કર્યો છે.

પાકિસ્તાની સમાચારપત્ર “ધ નેશને” પોતાના એક રિપોર્ટની હેડલાઈનમાં લખ્યું છે કે સ્વતંત્રતા સેનાનીઓએ હુમલો કર્યો છે. આ જ સમાચાર પત્રના એક અન્ય રિપોર્ટમાં જૈશ-એ-મહોમ્મદના એક કથિત પ્રવક્તાના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે હુમલામાં જૈશનો કોઈ હાથ નથી. સમાચારપત્રનો રિપોર્ટ જૈશ-એ-મહોમ્મદના હુમલાની જવાબદારી લેનારા નિવેદનથી બિલકુલ અલગ છે. જૈશ-એ-મહોમ્મદે એક વીડિયો જાહેર કરીને પુલવામાના અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. આ ફિદાયીન હુમલામાં ભારતીય અર્ધસૈનિક દળના 40 જવાન શહીદ થયા હતા જ્યારે ઘણા જવાનો ઘાયલ પણ થયા હતા.

તો બીજી તરફ ત્યાંની સરકાર પાકિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠનો પર કાર્યવાહી કરવાની જગ્યાએ તેમની ભૂલો પર પડદો નાંખવામાં વ્યસ્ત છે. પાકિસ્તાના બીજા દળોના નેતા પણ ભારત વિરુદ્ધ આગ ઓકી રહ્યા છે અને ફાલતુ નિવેદનો આપી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ગૃહ પ્રધાને પુલવામા આતંકી હુમલાને ભારતની ગુપ્તચર સંસ્થાનું ષડયંત્ર ગણાવ્યું છે. તો પાકિસ્તાનની સરકાર માત્ર સારા સંબંધો બનાવવાની વાત કરી રહી છે. હુમલા બાદથી પાકિસ્તાની મીડિયા સતત ભારતના સૈનિકો અને ભારતની સરકાર વિરુદ્ધ ખોટા તથ્યો રજૂ કરી રહી છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાનમાં સતત ઝેર ઓકવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં ત્યાંના ન્યૂઝ પેપર એક્સપ્રેસ ટ્રિબ્યૂન અને ડેલી ટાઈમ્સ પણ પાછળ નથી.

ઇરાને પાકિસ્તાનને ચીમકી આપી કે કાર્યવાહી કરો…

તો ઈરાને પાકિસ્તાનને કહ્યું છે કે તમે એ આતંકીઓ વિરુદ્ધ કડક પગલાં ભરો જેમણે સીમા રેખા નજીક ભારતીય જવાનો પર હુમલો કર્યો છે. અમેરિકી પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઈરાને પાકિસ્તાનને સીધા શબ્દોમાં કહ્યું કે તેઓ કાં તો આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે નહી તો તહેરાન આતંકીઓને સબક શિખવાડવા માટે ખુદ સૈન્ય પગલાં ભરવા માટે તત્પર છે. સ્ટટેટ ન્યૂઝ એજન્સી આઈઆરએનએ દ્વારા રિવોલ્યૂશનરી ગાર્ડ કમાન્ડર મેજર જનરલ મહોમ્મદ અલી જાફરીના હવાલાથી કહ્યું કે જો પાકિસ્તાન પોતાની જવાબદારી પૂર્ણ નહીં કરે તો આંતરરાષ્ટ્રીય કાયદાના આધાર પર આતંકીઓને દંડ આપવા માટે જવાબી કાર્યવાહી કરવામાં આવશે.   

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]