યુકેના ગૃહપ્રધાન બન્યા ભારતવંશી પ્રીતિ પટેલ…

લંડનઃ બ્રિટનના નવા વડાપ્રધાન બોરિસ જોનસને પોતાના કેબિનેટમાં ભારતીય મૂળના પ્રીતિ પટેલને ગૃહ પ્રધાન અને પાકિસ્તાની મૂળના સાજિદ જાવીદને નાણાપ્રધાન નિયુક્ત કર્યા છે. પ્રીતિ પટેલ ભારતીય મૂળના પ્રથમ મહિલા છે, જેમને બ્રિટનના ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા છે. આ પહેલા એક વિવાદને લઈને પ્રીતિ પટેલને થેરેસા મે કેબિનેટથી રાજીનામું આપવું પડ્યું હતું.

પ્રીતિ પટેલ પર ઈઝરાયેલના વડાપ્રધાન બેંન્જામિન નેતન્યાહૂ સાથે ગુપ્ત મુલાકાત કરવાનો આરોપ હતો. આને રાજનયિક પ્રોટોકોલનું ઉલ્લંઘન માનવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન થેરેસા મે એ પ્રીતિ પટેલને કાઢ્યા હતા. ત્યારબાદ પ્રીતિ પટેલે પોતાના પરથી રાજીનામું આપવું પડ્યું હતું. હવે બ્રિટનના ગૃહ પ્રધાન બનવું તે પ્રીતિ પટેલ માટે એક મોટી ઉપ્લબ્ધી માનવામાં આવી રહી છે. આને તેમની રાજનીતિમાં શાનદાર વાપસીના રુપમાં જોવામાં આવી રહ્યું છે. બ્રિટનના ગૃહપ્રધાન બન્યા બાદ પ્રીતિ પટેલે ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે બ્રિટન માટે વડાપ્રધાન બોરિસ જોનસન દ્વારા એક ગૃહ પ્રધાન નિયુક્ત થવા પર હું પોતાની જાતને સન્માનિત અનુભવી રહી છું. હવે બ્રિટનના ગૃહ વિભાગના કાર્યાલય સાથે કામ કરવાની આતુરતાથી રાહ જોઈ રહી છું, જેથી નેશનલ સિક્યુરિટી, પબ્લિક સેફ્ટી અને બોર્ડરને સુરક્ષિત કરવાના મામલે પોતાના દેશને યૂરોપીય સંઘથી અલગ કરવા માટે તૈયાર કરી શકું.

પ્રીતિ પટેલ વડાપ્રધાન મોદીના પ્રશંસક માનવામાં આવે છે. તેઓ ઘણીવાર વડાપ્રધાન મોદીના વખાણ કરી ચૂક્યા છે. 47 વર્ષીય પ્રીતિ પટેલ વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાત સાથે સંબંધ ધરાવે છે. જો કે પ્રીતિ પટેલનો જન્મ લંડનમાં જ થયો હતો. તેમના માતા-પિતા મૂળ ગુજરાતી છે, પરંતુ બાદમાં તેઓ યુગાંડા ચાલ્યા ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]